આજી ડેમ પાસેથી મળેલા મહિલાનાં પગ કોનાં હશે ? પોલીસ ગોથે ચડી
બન્ને પગ અલગ-અલગ જગ્યાએથી મળતાં રહસ્ય વધુ ઘેરું બન્યું: કોઈ તબીબે પગ નહીં કાપ્યાનું ફોરેન્સીક નિષ્ણાતોનું તારણ
આજી ડેમ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો ધંધે લાગી
શહેરના આજી ડેમ નજીક મહિલાંના કપાયેલા બે પગ મળી આવવાની ઘટનામાં પોલીસ રીતસરની ગોથે ચડી ગઈ છે. કપાયેલાં આ પગ કોનાં છે તેને લઈને પોલીસ સચોટ નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી. પગનાં આધારે જ મહિલાની ઓળખ કરવી અત્યંત કપરું હોવાથી આ ઘટનાનો ભેદ ઉકેલાશે કે કેમ તેને લઈને મોટો પ્રશ્નાર્થ છે. બીજી બાજુ કપાયેલાં બન્ને પગ અલગ-અલગ જગ્યાએથી મળી આવતાં રહસ્ય વધુ ઘેરું બન્યું છે. બન્ને પગનું ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાયું હોવાથી પ્રાથમિક રીતે આ પગ કોઈ ડૉક્ટરે કાપ્યા હોય તેવું લાગતું ન હોવાથી પોલીસ અત્યારે હત્યા કરાયા બાદ પગ કાપીને ફેંકી દેવાયા હોવાની દિશામાં આગળ વધી રહી છે.
આ અંગે આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાએ જણાવ્યું કે હજુ સુધી આ ઘટનામાં પોલીસને કોઈ પ્રકારની કડી મળી નથી. એકમાત્ર પગ ઉપરથી હત્યા થઈ છે કે પછી કોઈ ડૉક્ટર દ્વારા પગ કાપ્યા બાદ ફેંકી દેવાયો છે તેનો ખ્યાલ આવી રહ્યો નથી. બીજી બાજુ નદીનો પટ કે જ્યાંથી પગ મળ્યાં છે ત્યાં કોઈ પ્રકારના સીસીટીવી ન હોવાથી પોલીસ માટે વધુ પડકાર રહેશે.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયાએ જણાવ્યું કે અત્યારે અલગ-અલગ ટીમ આ દિશામાં કામ કરી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ હત્યા કરીને પગ કાપ્યા બાદ અહીં ફેંકી દેવાયા હોય તેવું લાગી રહ્યું નથી આમ છતાં ટૂંક સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવશે.
દરમિયાન ફોરેન્સીક વિભાગના સૂત્રોએ જણાવ્યું કે હત્યા કરાયા બાદ પગ કાપીને ફેંકવામાં આવ્યા હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે બન્ને પગ લાંબા-ટૂંકા કાપવામાં આવ્યા છે એટલા માટે તબીબનું આ કામ હોય તેવું ક્યાંય પણ લાગી રહ્યું નથી.
