યુવકે બુલેટ આપવાની ના પાડતાં મિત્રએ છરીના ઘા માર્યા..!
હુમલા બાદ ભગવતીપરા મેઈન રોડ પર તરફડીયા મારતા યુવકને ભાણેજે હોસ્પિટલે ખસેડયા હાલત નાજુક
ભગવતી મેઈન રોડ પર આવેલા સલૂનના સંચાલકે મિત્રને બુલેટ આપવાની ના પાડતા જ છરીના ત્રણ ઘા ઝીંકી દેવાયા હતા. ઘટના બાદ તરફડીયા મારતા યુવકને ત્યાંથી પસાર થઈ રહેલા તેના ભાણેજે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જ્યાં તબીબોએ તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ભગવતી પરા શેરી નં ૯ માં રહેતા ઉમેશ જગદીશભાઈ પરમાર નામના યુવકે બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તરીકે પારસ અગ્રાવત અને તેના કાકા હરેશ અગ્રાવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શનિવારે રાત્રિના પોણા નવ વાગ્યા આસપાસ પોતે ભગવતીપરા મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યો હોય ત્યારે અહીં રોડ પર તેને કૌટુંબિક મામા મહેશ બટુકભાઈ વાઘેલા (ઉ.વ. ૩૮) પડ્યા હોય અને તેમના પેટના ભાગે તેમજ હાથમાંથી લોહી વહેતું હોય જેથી તત્કાલિક નજીક આવેલ રાબડિયા ક્લિનિક બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રસ્તામાં ઇજાગ્રસ્ત મહેશે ભાણેજ ઉમેશને જણાવેલ કે, પોતે ભગવતી પરા સ્વામિનારાયણ ડેરી બાજુમાં આવેલી શિવ શક્તિ હેર આર્ટ નામની પોતાની દુકાનની બહાર બહાર ઊભો હતો ત્યારે મિત્ર પારસ અગ્રાવત અહીં આવ્યો અને બુલેટ માંગી બદલામાં એક્ટિવા આપવાનું કહ્યું હતું જેથી મહેશે ના પાડતા ઉશ્કેરાઈ જઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ આરોપી પારસ પોતાના કાકા હરેશ અગ્રાવત સાથે આવી ઝઘડો કરી ” તું કેમ હમણાં બુલેટ આપવાની ના પાડે છે ” તેવું કહી જેમફાવે તેમ ગાળો ભાંડવા લાગેલ યુવકે ગાળો દેવાની ના પાડતા આરોપી હરેશે તેને પકડી પારસે પોતાના નફામાં છરી કાઢી એક ઘા પેટમાં તેમજ બે ઘા હાથમાં ઝીંકી દીધા હતા. ઘટના બાદ દેકારો થતાં બંને આરોપીઓ ત્યાંથી નાશી છૂટયા હતાં. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે ગુનો નોધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નજીવી બાબતે છરી મારવીએ આવારાતત્વો માટે જાણે સામાન્ય વાત હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. ત્યારે ગુનાખોરીના વધતાં જતા ગ્રાફને અટકવા માટે પોલીસે કોઈ કઠોર પગલા લેવાની જરૂર વર્તાઈ રહી છે.