ઉપલેટા : હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
ઉપલેટામાં વર્ષ ૨૦૨૦માં બહેન સાથેના મિત્રતાના સબંધ પસંદ ન હોવાથી આરોપીએ ઘરમાં ઘૂસી યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો ‘તો
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષ ૨૦૨૦માં બહેન સાથે મિત્રતાના સબંધ પસંદ ન થતાં આરોપીએ અમિત પરમાર નામના યુવકને તેના ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતો.જે કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી હાર્દિક સોલંકીને આજીવન કેદ ફટકારી હતી.
કેસની હકિકત મુજબ, ઉપલેટાના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અમિત મહેન્દ્રભાઈ પરમાર નામના યુવકને આરોપીની બહેન સાથે મિત્રતાના સંબંધ હોય જે આરોપીને પસંદ ન હતા.જેથી આરોપી હાર્દિક સોલંકીએ અમિતના ઘરે જઈને તેના પરિવારને ધમકાવ્યો હતો. જે બાદ હાર્દિકે છરીના ઉપરાછાપરી ઘા મારતાં અમિતને ગંભીર ઈજાઓ પોહચતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડતાં ત્યાં તેનું મોત નિપજ્યું હતું.બનવા અંગે પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે, બનાવને નજરે જોનાર છ સાહેદ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા પ્રમાણે જ્યારે નજરે જોનાર સાહેદ હોય તેવા કિસ્સામાં આરોપીનો ઉદ્દેશ્ય મહત્વનો રહેતો નથી.
બંને પક્ષની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપી હાર્દિક જીવા સોલંકીને આજીવન કેદની સજા તેમજ રૂ.૮૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.આજીવન કેદની સજા સાંભળતા જ મૃતક અમિતના પિતા કોર્ટ પરિસરમાં ભાવવિભોર થઈ ગયા હતા.