MBBSના બે, નર્સિંગ-ફાર્મસીના એક-એક વિદ્યાર્થીએ આપ્યો લૂંટને અંજામ !
સ્કોર્પિયો ભાડે લીધા બાદ લૂંટ કરવાનો વિચાર આવ્યો’ને વકીલના ડ્રાઈવરને નિશાન બનાવી ૨૦,૦૦૦ લૂંટ્યા
એક વિદ્યાર્થી તો છેક ફિલિપાઈન્સમાં એમબીબીએસનો કરે છે અભ્યાસ: યુનિ.પોલીસ અને ઝોન-૨ એલસીબીએ ભેદ ઉકેલ્યો
જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાસે ચાર દિવસ પહેલાં વકીલના ડ્રાઈવર પાસેથી ૨૦,૦૦૦ની લૂંટના ચકચારી બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખી ચાર વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. પકડાયેલા ચાર ઉપરાંત ફરાર થઈ ગયેલા એક મળી પાંચેયે સ્કોર્પિયો કાર ભાડે લીધા બાદ ફરવા નીકળ્યા અને અચાનક જ લૂંટ કરવાનો વિચાર આવતાં વકીલના ડ્રાઈવરને જ નિશાન બનાવી ગુનાને અંજામ આપ્યો હતો.
યુનિવર્સિટી પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળઈ ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા, યુનિ.પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડ સહિતની ટીમે અમદાવાદના સોલામાં એમબીબીએસનો અભ્યાસ કરતા શુભમ ઈશ્વરભાઈ પુરોહિત (ઉ.વ.૨૦, રહે.૧૫૦ ફૂટ રોડ), ફિલીપાઈન્સ ખાતે એમબીબીએસનો અભ્યાસ કરતા ભવ્ય નીતિનભાઈ દવે (ઉ.વ.૨૩, રહે.દ્વારકેશ પાર્ક, આલાપ ગ્રીન સિટી પાછળ), ફાર્મસીનો અભ્યાસ કરતા યશ અનવરભાઈ લાલાણી (ઉ.વ.૨૧, રહે.સત્યસાંઈ રોડ, મારૂતિનગર શેરી નં.૨) તેમજ નર્સિંગનો અભ્યાસ કરતા નૈમિષ મયુરભાઈ શર્મા (ઉ.વ.૨૦, રહે.માંડાડુંગર, ગોકુળ પાર્ક)ને સ્કોર્પિયો કાર, મોબાઈલ મળી ૧૭.૪૬ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
ચારેયની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ ગુનાનો મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે.રાજકોટ) શુભમનો મીત્ર હોય તેઓ ચા-પાણી પીવા માટે એકાદ-બે વખત ભેગા થયા હતા. આ પછી ધ્રુવરાજસિંહ અને શુભમે મળીને લૂંટના ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર અમિત નામના વ્યક્તિ પાસેથી ભાડે લીધી હતી. આ પછી ફરવા નીકળ્યા ત્યારે તેમને લૂંટ કરવાનો વિચાર આવ્યો હતો. આ પાંચેયને ખબર હતી કે વકીલના ડ્રાઈવર પાસે વીસેક હજાર રૂપિયાની રકમ પડેલી છે એટલા માટે તેમણે તેને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી.
પકડાયેલા ચારેય સુખી-સંપન્ન ઘરના હોવા છતાં લૂંટ જેવા ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતાં જ ચકચાર મચી જવા પામી છે.