બે કટ્ટર પ્રમાણિક કોર્પોરેટરે કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચ માગી
સુરતની ઘટના : લાંચ રુશ્વત શાખાએ ગુનો નોંધી એકની ધરપકડ કરી
સુરતના આમ આદમી પાર્ટીનાં બે કોર્પોરેટરો સામે ૧૦ લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એકની ધરપકડ પણ કરવામાં આવી છે. મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું છે તેમ જણાવી કોન્ટ્રાકટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચની માંગણી કરવામાં આવતા આ મામલે એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરતના મગોબ ગામની સીમમાં આવેલા મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક આવેલું છે. આ પે એન્ડ પાર્કની સુવિધા વાળી જગ્યાની બાજુમાં મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટની પણ જગ્યા ફાળવવામાં આવી હતી. દરમ્યાન પુણાના વોર્ડ નબર 16 અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયાએ આ પે એન્ડ પાર્કની સુવિધા વાળી જગ્યાની મુલાકાત લીધી હતી તે દરમ્યાન કોન્ટ્રાકટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રકટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગે કોન્ટ્રાકટર પાસે માફીપત્ર પણ લખાવ્યું હતું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાકટ રદ કરવામાંથી બચવું હોય તો 11 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાકટર સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરી હતી અને રકઝકના અંતે 10 લાખ આપવાનું નક્કી થયું હતું. આ માંગણીના રેકોર્ડીંગની ફોરેન્સિક તપાસ કર્યા બાદ આખરે એસીબીએ આ મામલે આમ આદમી પાર્ટીના બંને કોર્પોર્રેટર સામે ગુનો નોંધ્યો હતો અને હાલ વિપુલ સુહાગીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.