ટાટા કંપનીમાં વાહનોની બેટરી ચોરી કરનાર બે તસ્કર પકડાયા ,એકની શોધખોળ
- શાપર પોલીસે ૧૮ બેટરી અને રિક્ષા કબ્જે કરી રૂ.૩.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
શાપર વેરાવળના કાંગશીયાળી પાસે ટાટા કંપનીના પાર્કીંગમાં રહેલ વાહનોમાંથી ગત તા.૫ ના રોજ ૧૯ બેટરી ચોરી થયા હોવાની ઘટના સામે આવતા શાપર પોલીસ તાત્કાલિક કામે લાગી હતી અને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથધરી કેશોદના રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ સોલંકી અને જૂનાગઢના ગોવિંદ ચંદુ ચુડાસમાની ધરપકડ કરી ૧૮ બેટરી કબજે કરી છે.જ્યારે ફરાર કેશોદના વિજય મુકેશ સોલંકી નામના તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાંગશીયાળી ગામની સીમમાં ટાટા જીતેન્દ્ર ઓટો મોબાઇલ્સ કંપનીએ વાહનોના પાર્કીંગ માટે રાખેલ ફોલ્ડીંગ દિવાલ વાળી જગ્યામાં તસ્કરોએ પ્રવેશી ટાટા કંપનીના આઇશર વાહનોમાંથી ૭ બેટરી તથા ૬ ડમ્પર વાહનોમાંથી ૧૨ બેટરી મળી કુલ બેટરી નંગ ૧૯ કિ. ૨.૮૫ લાખ ચોરી કરી ગયા હતા, આ અંગે કંપનીના મેનેજર યશભાઇ ગોટેજાએ શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. જે મામલે પી.એસ.આઇ આર.કે.ગોહિલ, એ.એસ.આઇ બ્રિજરાજસિંહ ,હેડ.કોન્સ તુશારસિહ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં બાતમી આધારે કેશોદના રાકેશ ઉર્ફે રાહુલ મુકેશ સોલંકી અને જૂનાગઢના ગોવિંદ ચંદુ ચુડાસમાની ધરપકડ કરી તેની પાસેથી ૧૮ બેટરી અને ઓટો રિક્ષા મળીને કુલ રૂ.૩.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે ફરાર વિજય નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા તેને વધુ ત્રણ ગુનાની કબુલાત આપતી હતી જેમાં તેને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ચોરીને અંજામ આપ્યો હતો.તે ઉપરાંત દોઢ માસ પહેલા અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ઓટો રીક્ષા ચોરી કરી હતી.જ્યારે આરોપી રાકેશ વિરૂદ્ધ આઉગ ગોંડલ અને જેતપુરમાં ચોરી સહિતના ગુના નોંધાય હોવાનું તપાસમાં ખુલ્યુ છે.