બે લોકોએ ૨૦ દિ’ સુધી ૬૦૦ ઓરડી તપાસી, તેમને રોજ રૂા.૫૦૦+જમાડ્યા’ને પકડાયો નશાનોજખીરો’
SOGએ અત્યંત સંવેદનશીલ એવા જંગલેશ્વરમાં કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન ગાંજો' ?
પોલીસ રોજ સર્ચ કરે તો ધંધાર્થીઓને શંકા જાય એટલા માટે ભાડે' રાખ્યા બે માણસો
ભેજાબાજ’ ધંધાર્થીઓ માલ' આવે એટલે પોતાના કબજામાં રહેલી ૫૦ પૈકીની કોઈ પણ ઓરડીમાં ગુણી છુપાવી દેતા
ગાંજો ખરીદવા કોઈ આવે તો પહેલાં તેણે રોકડા આપવાના અને પછી પૈસા લેનાર તેને ચીઠ્ઠી લખી આપે તેના આધારે બીજી વ્યક્તિ પાસેથી પડીકી મળતી
ચાર દિ' પહેલાં ૧૨ કિલો માલ આવી ગયો'તો પણ વધુ આવવાનો છે તેવી
બાતમી’ મળતાં જ પોલીસે રાહ જોઈ’ને અલગ-અલગ ટીમ બનાવી નશાનો કારોબાર કર્યો ખુલ્લો
રાજકોટ નશાના ખપ્પરમાં હોમાઈ ન જાય તે માટે પોલીસ દ્વારા અનેક સ્તરે પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે. જો કે નશા'નો કારોબાર કરીને યુવાધનને બરબાદ કરવું અને પોતાના ખીસ્સા ભરવાની હિન મહેચ્છા ધરાવતા સપ્લાયરો તેમજ પેડલરો કોઈ પણ ભોગે સુધરવાનું નામ લઈ રહ્યા નથી. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું નેટવર્ક ફુલ્યું-ફાલ્યું હોય અને તેમાં કોલેજિયન સહિતના આશાસ્પદ યુવકો નશાના રવાડે ચડી રહ્યાનું ધ્યાન પર આવતાં જ પોલીસે આ દૂષણને ડામી દેવા માટે કમર કસીને એક બાદ એક દરોડા પાડવાનું શરૂ કર્યું છે. દરમિયાન શહેરના અત્યંત સંવેદનશીલ એવા જંગલેશ્વર વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ ખાસ ઓપરેશન પાડીને ગાંજાનો ૫૧ કિલોનો જથ્થો પકડી પાડતાં પોલીસને એક મોટી સફળતા સાંપડી છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
સામાન્ય રીતે દારૂ કે ગાંજા અથવા તો એમડી ડ્રગ્સને પકડવું હોય એટલે બાતમીદારોનું નેટવર્ક એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ ત્યારે જંગલેશ્વરમાં મોટાપાયે ગાંજો છુપાવાયો હોવાની બાતમી તો પોલીસે ઘણા દિવસ પહેલાં મળી ગઈ હતી. જો કે આ વિસ્તાર એકદમ ભૂલભૂલામણી જેવો હોવાથી કદાચ પોલીસ દરોડો પાડવા પહોંચે તો પણ તેને ધારણા પ્રમાણેનો જથ્થો મળે તેવી શક્યતા ઓછી હોવાથી આ માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. એસઓજી દ્વારા આ માટે બે માણસોને
ભાડે’ રાખવામાં આવ્યા હતા. આ બે માણસોને જ ખબર હતી કે જંગલેશ્વરમાં ક્યાં ગાંજો પડેલો છે. જો કે ગાંજો ચોક્કસ કઈ ઓરડીમાં પડ્યો છે તેની ખરાઈ કરવી પણ જરૂરી હોવાથી આ બે માણસને ૨૦ દિવસ સુધી પોલીસ દ્વારા રોજના ૫૦૦ રૂપિયા અને જમવાનો ખર્ચ ચૂકવવામાં આવ્યો હતો. આખરે ૨૦ દિવસની મહેનત રંગ લાવી અને ગાંજો કઈ ઓરડીમાં પડ્યો છે ત્યાં સુધી આ બન્ને માણસો પહોંચી ગયા હતા.
જો કે જે ઓરડીમાં ગાંજો ત્રણેક દિવસ પહેલાં ઠલવાયો ત્યાં બારેક કિલો જેટલો જ આવ્યો હોવાથી આ બન્ને માણસોએ તે અંગે પોલીસનું ધ્યાન દોર્યું હતું સાથે સાથે હજુ વધુ મતલબ કે ૪૦ કિલો જેટલો જથ્થો આવવાનો હોવાની આ બન્નેને પાક્કી ખબર હોવાથી તેમણે તે અંગે પણ પોલીસને વાકેફ કરતાં પોલીસે વધુ ત્રણ દિવસ રાહ જોઈ હતી.
આમ તો પોલીસે મધરાત્રે જ દરોડો પાડવાનું નક્કી કર્યું હતું પરંતુ ગાંજા સાથે પકડાયેલો અસલમ ગુડ્ડુભાઈ સૈયદ અને રફિક યુસુફભાઈ જુણેજા એકદમ ચાલાક નીકળ્યા હતા. આ બન્ને ૫૦ જેટલી એવી ઓરડી વિશે જાણતા હતા જે ગેરકાયદેસર છે સાથે સાથે ત્યાં બહુ ઓછા લોકો રહેતા હોવાથી જથ્થો આવે એટલે ગમે તે ઓરડીમાં છુપાવી દેતા હતા. હવે ગાંજો ક્યાં પડ્યો છે તે ઓરડી શોધવી કપરી બની ગઈ હતી આમ છતાં બાતમીદારોએ તે શોધી કાઢી અને પોલીસ ગાંજા સુધી પહોંચી હતી.
બન્ને પકડાઈ ગયા બાદ પૂછપરછમાં પણ અનેક ખુલાસા થયા હતા જે પ્રમાણે આ બન્ને દ્વારા એવું નક્કી કરાયું હતું કે ગાંજો ખરીદવા કોઈ પણ આવે એટલે પહેલાં અસલમ અથવા રફીક પાસે જવાનું. આ પૈકી કોઈ એક દ્વારા પૈસા લેવામાં આવતા પછી ચીઠ્ઠી લખી આપવામાં આવતી તેના આધારે જ ગાંજાનો જથ્થો મળતો હતો. આ બન્નેને કુખ્યાત રમાના પતિ જાવેદ જુણેજા જે અત્યારે તેની પત્નીથી અલગ રહે છે તેનો દોરીસંચાર હોવાથી પોલીસે તેનું નામ પણ ખોલ્યું છે.
સાહેબ, કોઈ પણ ભોગે આ દૂષણ બંધ કરાવવું જ છે: જવાનની જિદ્દ રંગ લાવી !
જંગલેશ્વરમાં નશાનો કારોબાર બેરોકટોક થઈ રહ્યો હોવાથી એસઓજીના ધ્યાન પર આ વાત ઘણા સમયથી આવી હતી. દરમિયાન ટીમના એક જવાને પોતાના ઉપરી અધિકારીને ભારપૂર્વક કહ્યું હતું કે `સાહેબ, કોઈ પણ ભોગે આ દૂષણ બંધ કરાવવું જ છે, ભલે ગમે એટલી મહેનત કરવી પડે.’ પોતાની ટીમના જવાનની આ પ્રકારની ધગશ જોઈ પીઆઈએ પણ ઓપરેશન માટે લીલીઝંડી આપી અને પછી ઓપરેશન ગાંજો શરૂ કરીને તેમાં સફળતા મેળવાઈ હતી.
અસ્લમ મુઠ્ઠી વાળી ભાગ્યો, પોલીસે પકડતાં ટી-શર્ટ ફાટ્યું તો તે કાઢીને દોટ મુકી…
પોલીસ જ્યારે ગાંજો પકડવા માટે અસ્લમ સુધી પહોંચી ગઈ ત્યારે સ્ટાફને જોઈને તે ભાગ્યો હતો. તે ૫૦૦ મીટર દૂર ભાગ્યો હશે ત્યાં સુધીમાં પોલીસે તેને પકડી લીધો હતો. જો કે ત્યારે અસલમે ટી-શર્ટ પહેર્યું હોવાથી પોલીસથી તેનું ટી-શર્ટ ફાટી જતાં તેણે ચાલું દોટે ટી-શર્ટ કાઢી નાખ્યું હતું અને ફરી ભાગ્યો હતો પરંતુ એટલી વારમાં ગતિ ધીમી પડી જતાં પોલીસ ત્યાં સુધી પહોંચી ગઈ હતી.
૬ મહિનામાં ૩૦૦ કિલો ગાંજો વેચી માર્યો
પોલીસ પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે આ બન્નેને રોજ ૧૦૦૦ રૂપિયા મહેનતાણું મળતું હતું અને દિવસનો ૫૦,૦૦૦ રૂપિયાનો ગાંજો બન્ને મળીને વેચી નાખતા હતા. આ વેચાણ છ મહિનાથી ચાલી રહ્યું હોવાને કારણે અત્યાર સુધીમાં બન્નેએ ૩૦૦ કિલો ગાંજો વેચી માર્યો હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ પેટે પચ્ચીસેક લાખ રૂપિયાની કમાણી થયાનો અંદાજ છે.
બન્ને પકડાઈ ગયા છતાં જથ્થો ક્યાં પડ્યો છે તેનો ખુલાસો ન કરતા કરવી પડી કસરત' આમ તો પોલીસે ગાંજો જ્યાં પડ્યો હતો તે ઓરડીને મહામહેનતે શોધી કાઢી હતી પરંતુ તે ઓરડી લોક હોવાથી અંદર ઘૂસવું કેવી રીતે તેની
કસરત’ કરવી પડી હતી. અસલમ અને રફીક બન્ને પકડાઈ ગયા છતાં જથ્થો ક્યાં પડ્યો છે તેનો ખુલાસો ન કરતા હોય આખરે પોલીસે ઓરડીનો દરવાજો તોડવાનું શરૂ કરતાં જ ચાવી કાઢી આપી હતી…
ગોંડલના સપ્લાયરનું નામ ખુલ્યું: હવે તેનો `વારો’
આ ગાંજા નેટવર્કમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને જાવેદ જૂણેજા ફરાર થઈ ગયો છે. આ ઉપરાંત ગોંડલના એક સપ્લાયરનું નામ પણ આ નેટવર્કમાં ખુલ્યું હોવાથી એસઓજી દ્વારા હવે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
ટીમ એસઓજી
પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એન.વી.હરિયાણી, આર.જે.કામળિયા, એએસઆઈ ધર્મેશ ખેર, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, જયદીપસિંહ ચૌહાણ, અરુણભાઈ બાંભણીયા, હરદેવસિંહ જાડેજા, મહાવીરસિંહ ઝાલા સહિત…