SOG એક્શન મોડ’માં: બે કિલો ગાંજો, ઈ-સિગરેટનો જથ્થો પકડ્યો
રિક્ષાચાલક પીવા-વેચવા માટે પહેલીવાર આટલો
માલ’ લાવ્યો’ને પકડાયો: સેન્ટ મેરી સ્કૂલ સામે ડ્રીમ પોઈન્ટ દુકાનમાં ઈ-સિગરેટ વેચતા ધંધાર્થીને પણ દબોચી લીધો
ડ્રગ્સ, ગાંજો, ચરસ, ઈ-સિગરેટ સહિતના દૂષણને ડામી દેવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને એકદમ સ્ટ્રોંગ બનાવી દેવામાં આવી છે. બીજી બાજુ એસઓજીના બહોળા અનુભવી એસ.એમ.જાડેજાને પીઆઈ તરીકે મુકાયા બાદ ટીમ `એક્શન મોડ’માં આવી ગઈ છે અને ધડાધડ ડ્રગ્સ, હથિયાર પકડી રહી છે ત્યારે આવા વધુ બે દરોડા પાડીને બે કિલો ગાંજો, ઈ-સિગરેટનો જથ્થો પકડવામાં સફળતા સાંપડી છે.
પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી.માજીરાણા, એએસઆઈ ધર્મેશ ખેર સહિતની ટીમે ગાંધીગ્રામના ભારતીનગર શેરી નં.૨માં આવેલા એક મકાનમાં દરોડો પાડીને ૨.૦૮૮ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રણજીત નારુભા રત્નુ (ઉ.વ.૨૮)ને પકડી પાડ્યો હતો. રણજીતની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તે પોતે રિક્ષા ચલાવે છે અને ગાંજાનો બંધાણી હોવાથી ખર્ચ કાઢવા માટે તે ગાંજાનો આટલો મોટો જથ્થો લાવ્યો હતો. હજુ ગાંજાની પડીકી બનાવી તેનું વેચાણ કરે તે પહેલાં જ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત એસઓજીએ કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કૂલ સામેના પંચનાથ કોમ્પલેક્સમાં ડ્રીમ પોઈન્ટ નામની દુકાનમાં ચેકિંગ કરતાં ત્યાં પ્રતિબંધિત ઈ-સિગરેટ કે જેને વેપો તરીકે ઓળખવામાં આવે છે તેનો ૪૩ સિગરેટનો જથ્થો મળી આવતાં ધંધાર્થી પ્રકાશ ઉર્ફે શાહરૂખ નારાયણદાસ કેસરિયા (ઉ.વ.૪૨) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.