મહિલાને વાતોમાં ચડાવી બે ગઠિયાઓ સોનાનો ચેઇન અને રોકડ ચોરી ગયા
શહેરમાં ભગવતીપરા-9માં રહેતાં ભાનુબેન કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ.૫૮) નામના મહિલાને ભીચરીનાકા પાસે કપીલા હનુમાન માર્ગ પર બે ગઠિયાઓએ છેતરી સોનાનો ચેન અને રોકડ ચોરી જતા પોલીસે સીસીટીવી આધારે તેઓની શોધખોળ કરી છે. વિગતો મુજબ ફરિયાદી ભાનુબેન પોત્રીને લઇને કપડા લેવા નીકળ્યા હતાં.અને ખરીદી કરી પરત ઘરે જતાં હતાં. ત્યારે ખત્રીવાડ ચોક પાસે કપીલા હનુમાન માર્ગ પર પહોંચતા આશરે બાવીસ વર્ષના શખ્સે માજી હું ભૂખ્યો છું. મને થોડા પૈસા આપો તેમ કહ્યું હતું. ત્યાં બીજો શખ્સ આવ્યો હતો તે આશરે બત્રીસ વર્ષનો હતો. તેણે કપડામાં વીંટીને કંઇક વસ્તુ આપી હતી અને કહેલું કે બા સારી વસ્તુ છે. રાખી લો. બાદમાં તેમાં શું છે એ જોતાં અંદર ૫૦૦ની નોટ હતી. જેથી ભાનુબેન વિશ્વાસમાં આવી ગયા હતા.એ પછી બંને શખ્સે ચેઇન અને રોકડ હોય તે આપી દેવા કહેતા પોતે બે ધ્યાન બની ગયા હોઇ દસ હજાર રોકડા અને બે તોલાનો ચેઇન આપી દીધા હતા. અને બંને શખ્સ રોકડ અને ચેઇન લઇ છુમંતર થઈ જતા પોલીસે ગુનો નોંધ્યો છે.