કોઠારીયા સોલવન્ટ પાસે પ્રૌઢ પર ત્રિપુટીનો હુમલો
ઈંટનો ભઠ્ઠો ખાલી કરી નાખવાનું કહી જ્ઞાતિ અંગે અપમાનિત શબ્દો કહેતા આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
કોઠારીયા સોલવન્ટ પાસે ઈંટના ભઠ્ઠામાં કામ કરનાર પ્રૌઢને ત્રણ શખસોએ આ જગ્યા ખાલી કરી દેજે કહી ધમકી આપી ઢીકાપાટુ તથા પથ્થર વડે મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત શબ્દો કહેતા તેઓએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આંબેડકરનગર શેરી નંબર 12માં રહેતા અને કોઠારીયા સોલવન્ટ પાસે શીતળાધાર 24 વારીયા વૃંદાવન સોસાયટી પાસે સરકારી ખરાબામાં ઈંટનો ભઠ્ઠો રાખી મજૂરીકામ કરનાર ખીમજીભાઇ વાલજીભાઈ પરમાર (ઉ.વ ૫૨) નામના પ્રૌઢે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિકો ભરવાડ, તેજસ ભરવાડ અને અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે,તે તથા તેમના મોટાભાઈ વશરામભાઈ બંને અહીં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા દરમિયાન ખીમજીભાઇ ચા પીવા માટે ગયા હતા. થોડીવાર બાદ અહીં પરત આવતા વિકો ભરવાડ, તેજસ ભરવાડ તથા અજાણ્યો શખસ ઈંટના ભઠ્ઠાની બનાવેલી કાચી ઓરડીને હાથેથી ધક્કા મારી પગેથી લાતો મારી તોડતા હોય જેથી ખીમજીભાઇ આવું શું કામ કરો છો? તેમ કહેતા આ ત્રણેય ગાળો આપવા લાગ્યા હતા ગાળો આપવાની ના કહેતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન વિકો ભરવાડે ખીમજીભાઇને કહ્યું હતું કે એકને છરી મારીને આવ્યો છું, આ ઈંટોના ભઠ્ઠાવાળી જગ્યા મૂકીને જતો રેહજે નહીંતર જાનથી મારી નાખીશ તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં આરોપીઓએ પથ્થરનો ઘા માર્યા હતા.જેથી આ મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.