અંધશ્રદ્ધામાં ફસાવી વેપારીને માલામાલ બનવાની લાલચ આપી લાખો પડાવનાર મદારી ગેંગ પકડાય
જામકંડોરણા,મીઠાપુર અને જામજોધપુરના વેપારીઓને ધન પ્રાપ્તિની લાલચ આપી રૂ.૨૯.૫૦ લાખની છેતરપિંડી કરી : ચારની શોધખોળ
જામકંડોરણા પોલીસે મદારી ગેંગના સાગરીતોને ભોગ બનનાર વેપરીમાંથી ફોન કરી ધૂપના પૈસા આપવાની લાલચ આપી પકડયા : રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ કબજે
જામકંડોરણાના ખજૂરડા ગામના ખેડૂત અને વેપારીને બાવા સાધૂની ગેંગે માતાજી પ્રસન્ન થયેલ છે તમને ધન પ્રાપ્તિ થશે તેમ કહી તંત્રીકવિધિના નામે રૂ.13 લાખની છેતરપીંડી કરનાર મદારી ગેંગના ચાર શખ્સોને જામકંડોરણા પોલીસે પકડી પાડી રોકડ, કાર અને મોબાઈલ મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવ અંગે જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયા (ઉ.વ.46) કે જેઓ પોતાના ગામમાં ઈલેક્ટ્રીક ની દુકાન ચલાવે છે. તેમની દુકાને ચાર માસ પહેલા એક બાવા સાધુના વેશમાં કોઈ આવ્યું હતું અને તેમને રૂદ્રા આપ્યો હતો. અને આ બાવા સાધુએ વેપારી સાથે મિત્રતા કરી તેઓના પર માતાજી પ્રસન્ન થયા છે તેવું કહી ધન પ્રાપ્તિ થશે તેવી લાલચ આપી હતી.તેની વિધિ માટે ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું, જુના રૂપીયાના સીક્કા, ચુંદડી, કંકુ સહિતનો વીધીનો સામાન લઇ વાંકાનેર પાસે રફાળા બોલાવ્યા હતા. અને વિધિ કર્યા બાદ સાધુએ 25 તોલા ધૂપ આપવું પડશે તેવું કહ્યું હતું.અને કુલ રૂ.13 લાખ પડાવ્યા હતા.
જે અંગે જામકંડોરણા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ.એમ.ડોડીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને આરોપીને પકડવા
પોલીસે ખજૂરડા ગામના ભોગ બનનાર ખેડૂત પાસે આરોપીઓને ફોન કરાવી ધુપના રૂપિયાની વ્યવસ્થા થઈ ગયેલ છે. તેમ કહી બોલાવ્યા હતા. ત્યારે પૈસા લેવા આવતા ની સાથે જ પોલીસે છેતરપિંડી કરનાર મદારી ગેંગના જાલમનાથ રાજુનાથ પઢીયાર (મદારી), જોગનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને નવા મકનસર, વાદીપરા, મોરબી), પ્રકાશનાથ ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) અને ઝવેરનાથ રાજુનાથ પઢીયાર (મદારી) (રહે. બંને દરેડ, જામનગર, મૂળ રહે.નવા મકનસર, વાદીપરા, મોરબી) ને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રૂ.4.60 લાખ, સાત મોબાઈલ અને કાર મળી રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જયારે જાલમનાથ શંભુનાથ પઢીયાર , સાગરનાથ બાબુનાથ ભાટી ,આસમનાથ બકાનાથ પરમાર કરહે અને પ્રદેશનાથ ઠાકોરનાથ બાંભણીયાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જ્યારે પોલીસે આરોપીઓની પૂછતાછ કરતા તેઓએ કબુલાત આપી હતી કે, સાત મહિના પૂર્વે મીઠાપુર તાલુકાના ભીમરાણા ગામે એક વ્યક્તિને ધનપ્રાપ્તિની લાલચ આપી રૂ.11 લાખની તેમજ ત્રણ મહિના પહેલાં જામજોધપુરના મોડપર ગામે એક વેપારી સાથે રૂ.5.50 લાખની છેતરપીંડી કરી હતી. જેથી તે મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.