CGST અધિકારીના ઘરમાં હાથ મારનાર તસ્કર પકડાયો: પહેલીવાર જ ત્રાટક્યો’તો
ઝોન-૨ એલસીબીએ સોનાના ઘરેણા સહિત ૩.૮૬ લાખના મુદ્દામાલ સાથે બકાલીને પકડ્યો, એક ફરાર
બન્ને રીઢા તસ્કરો હનુમાન મઢી વિસ્તારમાં પ્રસંગોપાત આવતા હોય ચોરી કરવાનો બનાવ્યો હતો પ્લાન
ગત રવિવારે એરપોર્ટ પર આવેલી ઈન્કમટેક્સ સોસાયટીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતાં અધિકારીના ઘરમાં થયેલી ૨.૪૮ લાખની ચોરીનો ભેદ એક સપ્તાહની અંદર ઝોન-૨ એલસીબીની ટીમે ઉકેલી નાખી ગાંધીધામના તસ્કરને પકડી પાડ્યો હતો. જ્યારે ચોરીમાં સામેલ રાધનપુરનો શખ્સ ફરાર થઈ જતાં તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
આ બન્નેએ પહેલી જ વખત રાજકોટમાં હાથ સાફ કર્યો હતો પરંતુ ચોરાઉ ઘરેણા કે રોકડનો ઉપયોગ કરે તે પહેલાં જ પકડાઈ ગયા હતા.
ઝોન-૨ એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા, રાહુલ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, મુકેશ સભાડ સહિતની ટીમે માધાપર ચોકડીથી મોરબી બાયપાસ તરફ જતાં પુલ પાસેથી કૈલાસ મધાભાઈ ચાંગાવાડિયા કે જે ગાંધીધામ જીઆઈડીસીમાં ઝુપડપટ્ટીમાં રહે છે અને બકાલાનો ધંધો કરે છે તેને સોનાની બે બંગડી, ચેઈન, ૪૦,૦૦૦ની રોકડ મળી ૩.૮૬ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે તેની સાથે ચોરીમાં કિશોર માવજીભાઈ વારૈયા કે જે રાધનપુરના વારાહી ગામે રહેતો હોય તે હાથમાં આવ્યો ન્હોતો.
પોલીસ પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે આ બન્ને રાજકોટમાં હનુમાનમઢી વિસ્તારમાં રહેતા સગાઓને ત્યાં પ્રસંગોપાત આવતા હોય રાજકોટમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. કિશોર અને કૈલાસ દિવસે બંધ મકાનની રેકી કરતા અને જેવી ખબર પડે કે ઘરને બહારથી તાળું મારેલું છે એટલે તેના ઉપર નજર રાખીને રાત્રે પણ જો તાળું જોવા મળે એટલે તેને તોડીને અંદર ઘૂસતા અને કબાટની અંદરથી જે કંઈ પણ હાથ લાગે તે ચોરી કરીને ફરાર થઈ જતા હતા. પકડાયેલા કિશોર સાથે ગાંધીધામ, આદીપુર, પાટણ સહિતના પોલીસ મથકમાં અનેક ગુન્હા નોંધાયેલા છે.