રાજકોટના ભાયાસર ગામના ખેડૂતે તેના બે બાળકની આંખના મોતિયાનું ઓપરેશન કરાવવા મજબૂરીવશ એક લાખ રૂપિયા ત્રીસ ટકા લેખે વ્યાજે લીધા અને પાડાસણના બે વ્યાજખોર મુન્ના મુંધવા તથા ભૂપત મુંધવાની ચુંગાલમાં ફસાયો. વ્યાજખોર બેલડીએ એક લાખની સામે 25 લાખ રૂપિયા ચૂકવવા પડશે કહીને ખેડૂતને ધોકાથી ડરાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ આજી ડેમ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે બન્ને શખસને કાયદાકીય ભાન કરાવવા કવાયત કરી છે.
પોલીસ ફરિયાદની વિગતો મુજબ ખેતમજૂરી કરતા ફરિયાદી અજય ખોડાભાઈ ડાભી (ઉ.વ.37)ના બે પુત્રને જન્મથી આંખના મોતિયાની બીમારી હતી જેથી સારવાર માટે નાણાંની જરૂર હતી. તેણે ગત વર્ષે તા.4-12-24ના રોજ પાડાસણના દૂધના ધંધા સાથે વ્યાજે નાણાં ધીરતા મુન્ના મુંધવા પાસેથી 10 ટકા લેખે 10000 રૂપિયા વ્યાજે લીધા હતા. બન્નેને રાજકોટમાં ગોંડલ રોડ પર ગુરૂકુળ આંખની હોસ્પિટલમાં ચેકઅપ
કરાવતા બન્નેને મોતિયાના ઓપરેશન કરાવવા તબીબે અભિપ્રાય આપ્યો હતો. ઓપરેશન માટે એક લાખ રૂપિયા માંગતા 30 ટકા વ્યાજ થશે, રોજના એક હજાર ચૂકવવા પડશે. સંતાનોની સારવાર માટે નાણાંની જરૂરિયાત હોવાથી મજબૂરીવશ 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
વ્યાજપેટે 2.90 લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી હતી. દર મહિને મુન્નો અથવા તેનો પુત્ર ભુપત મુંધવા વ્યાજ લઈ જતા હતા. વ્યાજ આપવામાં જો મોડું થઈ જાય તો પેનલ્ટી લગાવતા હતા. ખેતપેદાશ વેચી, કોઈને કોઈ પાસે હાથ ઉછીના લઈને નાણાં ચૂકવતો હતો. છેલ્લા બે માસથી ખેતપેદાશ વેચાણ ન થયું હોવાથી વ્યાજ ચૂકવી શક્યો ન હતો. અવારનવાર ફોન કરીને ઉઘરાણી કરતા હતા. ગત તા.18ના રોજ પિતા-પુત્ર મુન્નો, ભુપત બન્ને વાડીએ આવ્યા હતા.
બાઈકમાંથી ધોકો કાઢીને ગાળો આપીને કેમ મારો ફોન ઉપાડતો નથી, આજે તો મારી નાખવો છે, તારે વ્યાજનું વ્યાજ અને મુડી મળીને (25 લાખ) ચૂકવવા પડશે. દેકારો થતાં અન્ય પરિવારજનો આવી પહોંચ્યા હતા અને જો નાણાં નહીં ચૂકવે તો મારી નાખશું કહી ધમકી આપીને ચાલ્યા ગયા હતા જે બાબતે આજી ડેમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બન્નેની ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.
