અમીર બનવા પૂર્વ કર્મીએ જ ઓફિસમાંથી 8.39 લાખની રોકડ ચોરી’તી
ક્રાઇમ બેઝ ટીવી શો જોઈ પ્લાન બનાવી હાથ અને મોઢે રૂમાલ બાંધી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરવા પહોંચ્યો : તિજોરીમા ડુપ્લિકેટ ચાવી અને પાસવર્ડ નાખી ખોલી નાખી : પોલીસે ચાલવાની સ્ટાઈલ પરથી ઓળખી પકડી પાડી તમામ રોકડ જપ્ત કરી
શહેરની માધાપર ચોકડી નજીક આવેલા એમેઝોન કંપનીના જય મુરલીધર ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી તાળા તોડયા વગર ત્યાં જ રહેતી ચાવીથી અને પાસવર્ડથી તિજોરી ખોલી અંદરથી રૂા 8.39 લાખની ચોરી કરવામાં આવતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાને આધારે તપાસ શરૂ કરી હતી.અને ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી ચોરીને અંજામ આપનાર પૂર્વ કર્મી કમલેશ ઓમપ્રકાશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૨૦ રહે. મનહરપુર-૧,જામનગર રોડ)ની ધરપકડ કરી તમામ રોકડ રકમ જપ્ત કરી હતી.જ્યારે તસ્કરે રાતો રાત અમીર બનવા ક્રાઇમ બેઝ ટીવી શો જોઈ પ્લાન બનાવી ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી ચોરીને અંજામ આપ્યો હતો.
વિગત મુજબ માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમા વર્ધમાન કોમ્પલેક્ષમાં રહેતા અને જય મુરલીધર નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતાં પ્રકાશ ચંદુભાઈ જોગીયાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે,તેની પેઢીમાં એમેઝોનના તમામ પાર્સલ આવે છે. જેની ડિલીવરીનું કામ કરવામાં આવે છે.તા.11મીએ તિજોરીની ચાવી કાઉન્ટરના ખાનામાં રાખે છે ચાવી અને પાસવર્ડની મદદથી તિજોરી ખોલી કોઈ તસ્કરે રોકડ રૂ.8.39 લાખની ચોરી કરી હતી.જે મામલે આ ચોરીને અંજામ આપનાર જાણભેદુની શંકા થતાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી કેમેરામાં ચકાસતા તેમાં એક બુકાનીધારી દેખાયો હતો. આ બીજો કોઈ નહિ પણ અગાઉ નોકરી કરી ચુકેલો મનહરપુર-૧મા રહેતો કમલેશ હોવાનું જણાઇ આવતાં તેને ઉઠાવી લીધો હતો. પુછતાછ કરતા તેણે ચોરી કબુલી હતી અને રોકડ નવી કોર્ટ સામે ઝાડી જાખરામાં છુપાવી દીધાનું કબુલતા પોલીસે રકમ કબ્જે કરી હતી. પગાર ઓછો પડતો હોવાથી તે બે દિવસ પહેલા જ નોકરીમાંથી છુટો થયો હતો. અને રાતો-રાત અમીર બનવા ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.વધુમાં તેને કબૂલાત આપી હતી કે, ચોરીને અંજામ આપતા પહેલા મોબાઈલ ફોનમાં એક ક્રાઇમ બેઝ ટીવી શો જોયો હતો અને તેમાંથી પ્રેરણા લઇ પોતાના ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે હાથ ઉપર પણ રૂમાલ ઢાંકી લીધા હતા.અને બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો.