રાજકોટમાં એક દિવસમાં અકસ્માતના ત્રણ બનાવો હોટલના કર્મચારી સહિત બેના મોત: ત્રણ ઘાયલ
ઘંટેશ્વર પાર્ક હોટેલના બે કર્મચારીઓને સ્કોર્પિયો ચાલકે ઉલાળયા
મહીકા પાસે હીટ એન્ડ રનમાં સિક્યુરિટીગાર્ડનું મોત: બાઇક સ્લીપ થતાં દંપતી ધાયલ
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઘંટેશ્વર પાર્ક હોટેલના કર્મચારી અને ચોકીદારનું મોત થયું હતું જ્યારે દંપતીને ઇજા થઈ હતી. જામનગર રોડ સ્કોર્પિયો કારના ચાલકે એક્ટીવા ચલાવીને જતાં ઘંટેશ્વર પાર્ક હોટેલમાં કામ કરતાં બે કર્મચારીને ઉલાળતા એકનું મોત થયું હતું અને બીજાને ઇજા થઈ હતી જ્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ચોકીદારનું મોત થયું હતું તેમજ કુચીયાદળ પાસે બાઇક રોડના ડિવાઇડરમાં અથડાતાં દંપતીને ઇજા થઈ હતી.
પ્રથમ બનાવમાં ઘંટેશ્વર પાર્ક હોટેલમાં કામ કરતાં અને જામનગર રોડ નાગેશ્વર પટેલ ચોકની બાજુમાં સમ્યક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતાં મુળ નેપાળના સૂરજસિંગ લાલસિંગ દાસ (ઉ.વ.૨૮) અને સાથે કામ કરતો કમલ મનોજ થાપા (ઉ.વ.૩૦) જીજે૦૩સીએફ-૬૩૪૮ નંબરના એક્ટીવામાં ઘંટેશ્વર પાર્ક હોટેલથી તેનો મોબાઇલ ફોન લેવા માટે બહાર જતાં હતાં. ત્યારે કાળા રંગની સ્કોર્પિયો જીજે૦૩એમએલ-૮૨૪૫ના ચાલકે આ બંનેને એક્ટીવા સહિત ઉલાળયા હતા. જેમાં સૂરજસિંગ દાસનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મિત્ર કમલ થાપાનો ઇજા થઈ હતી. અકસ્માતન સર્જી સ્કોર્પિયો ચાલક તેની ગાડી મુકી ભાગી ગયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે મુળ નેપાળના સંતોષ રમેશભાઇ પરીયાર (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી કાળા રંગની સ્કોર્પિયો નં. જીજે૦૩એમએલ-૮૨૪૫ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ભાગી ગયેલા સ્કોર્પિયો ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃત્યુ પામનાર સૂરજસિંગ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેના છુટાછેડા થઇ ગયા બાદ અહિ એકલો રહેતો હતો.
હીટ એન્ડ રનના બનાવમાં મહિકા રહેતાં અને સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરતાં અનોપસિંહ બહાદુરસિંહ રાઠોડ (ઉ.વ.૫૦) આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે આવેલી કરૂણા ગોશાળામાં ચોકીદારીની નોકરી પૂરી કરી પગપાળા મહિકા ઘરે જવા નીકળ્યા તે વખતે મહિકાના પેટ્રોલ પંપ નજીક કોઇ અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોત થયું હતું. મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં મુળ જુનાગઢ જાલણસરના વતની અને હાલ ચોટીલાના કુંઢડા ગામે રહેતાં અને વાળંદ કામ કરતા મનોજ વશરાભાઇ ગોહેલ (ઉ.૩૫) પત્નિ મીતા (ઉ.૩૦)ને બાઇકમાં બેસાડી શાપર સસરાના ઘરે આવ્યો હતો. અહિથી બંને પરત કુંઢડા જતાં હતાં ત્યારે કુચીયાદળ પાસે બાઇક સ્લીપ થતાં અને ડિવાઇડરમાં અથડાતાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી.