પ્યાસી’ઓને કોઈ પણ ભોગે દારૂ મળવો જ જોઈએ નહીં !
પીસીબીએ એક જ દિવસમાં અલગ-અલગ છ જગ્યાએ દરોડો પાડી દેશી-વિદેશી દારૂ સાથે પાંચને પકડ્યા, બે ફરાર
દિવાળી નજીક હોવાથીપ્યાસી’ઓ અત્યારથી જ દારૂની વ્યવસ્થા કરવા માટે `મહેનત’ કરી રહ્યા છે. જો કે આ વખતે દારૂ માટે થોડાં વધારે ફાંફા મારવા પડે તેવી નોબત આવી પડી છે કેમ કે ડીસીબી, એલસીબી અને સ્થાનિક પોલીસની સાથે જ હવે પીસીબી પણ એક બાદ એક જગ્યાએ દરોડા પાડી રહી છે. એકંદરે પ્યાસીઓને કોઈ પણ ભોગે દારૂ મળવો જ જોઈએ નહીં તેવા સૂત્ર સાથે કામ કરી રહેલી પીસીબીએ એક જ દિવસમાં અલગ-અલગ છ જગ્યાએ દરોડા પાડી દેશી-વિદેશી દારૂ સાથે પાંચને પકડી પાડ્યા હતા જ્યારે બે બૂટલેગર ફરાર થઈ જવા પામ્યા હતા.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા તેમજ ટીમ દ્વારા ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી ઈરફાન ઈસાકભાઈ જુણેજાની વિદેશી દારૂની ૧૨ બોટલ, કૂવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી સાજીદ હબીબભાઈ બુટા (ઉ.વ.૧૮, રહે.દૂધસાગર રોડ)ને બીયરના ૨૪ ટીન અને વિદેશી દારૂની ૬ બોટલ, આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાંથી કૈલાશ સેવલાભાઈ ઉર્ફે શિવાભાઈ કોચરા (ઉ.વ.૨૮, રહે.મુળ મધ્યપ્રદેશ)ને વિદેશી દારૂના ૬૪ ક્વાર્ટર, કૂવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાંથી વિદેશી દારૂની ૪૫ બોટલ કે જે મંગાવનાર યાસીન અકબરભાઈ શાહમદાર ફરાર થઈ ગયો છે, આજીડેમ પોલીસ મથક વિસ્તારમાંથી હંસા શામજીભાઈ વરાણીયાને ૧૧૫ લીટર દેશી દારૂ અને કૂવાડવા પોલીસ મથક વિસ્તારમાંથી ક્રિષ્ના કૈલાશભાઈ પીપળીયાને ૧૦૦ લીટર દેશી દારૂ સાથે પકડી પાડી હતી. જ્યારે અરવિંદ રામજીભાઈ બાહુકીયા ફરાર થઈ ગયો હતો.
