ન્યુશક્તિ સોસાયટીના યુવાનને ધરાર દારૂના ગુનામાં ફિટ કરી બેફામ મારમાર્યાનો આક્ષેપ
20 દિવસ પૂર્વે યુવાનની ગેરહાજરીમાં માનસિક અસ્થિર દાદીને ધમકી આપી હતી
પોલીસ કમિશનરને કરેલી અરજી અંગે ડીસીપીએ નિવેદન માટે બોલાવ્યા બાદ થોરાળા પોલીસ ઉઠાવી ગઈ
રાજકોટમાં પોલીસે અવાર નવાર વિવાદમાં આવે છે ત્યારે વધુ એક વખત પોલીસ વિવાદમાં આવી છે. ન્યુશક્તિ સોસાયટીના યુવાનને ધરાર દારૂના ગુનામાં ફિટ કરી થોરાળા પોલીસે બેફામ મારમાર્યો હોય જે બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
દુધ સાગર રોડ, સંત કબીર રોડ ઉપર ન્યુશક્તિ સોસાયટી શેરી નં. ૪માં રહેતા દિપકભાઈ લખમણભાઈ રાણેસરાએ થોડા દિવસ પૂર્વે પોલીસ કમિશનરને અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે, વીસેક દિવસ પહેલા દિપક જસદણ લીલાપુર બારાપીર દરગાહે ગયો હતો અને માનસિક રીતે બિમાર વૃદ્ધ દાદીમાં ઘરે એકલા હતા ત્યારે થોરાળા પોલીસ સ્ટેશનના
જે. બી. જાડેજા સહિતના ચાર પોલીસ તેના ઘરે આવ્યા હતા.અને બિમાર વૃદ્ધ દાદીને કહ્યું હતું કે, તારા પૌત્રને સમજાવી દે જે કે દારૂ વેંચવાનું બંધ કરી દે, અને દારૂ વેંચવો હોય તો અમોને હપ્તો પહોંચાડી દે. દિપક પોતે દારૂ વેચતો ન હોય આ બાબતે થોરાળા પોલીસ વિરુદ્ધ પોલીસ કમિશનરને અરજી કરી હતી.
દીપકે કરેલી અરજી સંદર્ભે ડીસીપી ઝોન-1ને તપાસ સોંપવામાં આવી હતી અને 1 એપ્રિલે દિપકને નિવેદન માટે ડીસીપી ઓફિસે બોલાવવામાં આવ્યો હતો જ્યાં દીપકે તેના ઘરે આવેલ થોરાળા પોલીસે કરેલી વાત નિવેદનમાં જણાવી હતી. દિપકનું નિવેદન લેવાયા બાદ થોરાળા પોલીસ સીપી કચેરીએ થી દિપકને થોરાળા પોલીસ સ્ટેશને લઈ ગઈ અને દારૂના કેસમાં દિપકની ધરપકડ કરી પોલીસ સ્ટેશન માં પટ્ટા અને લાકડી વડે બેફામ મારમાર્યો હતો તેમજ દિપકને બારોબાર મેડિકલ કરાવી તેને કોર્ટમાં પણ રજૂ કરી દીધો હતો. આ પ્રકરણ બાબતે થોરાળા પોલીસના જવાબદાર પોલીસકર્મી ઓ સામે હવે ઉચ્ચકક્ષાએ ફરિયાદ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. થોરાળા પોલીસે નિવેદન માટે સીપી કચેરીએ આવેલ યુવાનને પરિવારને જાણ કર્યા વિના ઉઠાવી જઈ મારમાર્યાની ઘટના અંગે જવાબદારો સામે શું પગલાં લેવાશે તે હવે જોવાનું રહ્યું ?