ન્યુડ કોલના ચક્કરમાં યુવાને ૮૦,૦૦૦ ગુમાવ્યા
સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક પ્રયાસો છતાં રોજ થઈ રહેલી છેતરપિંડી
પૂનમ શર્મા નામના ફેસબુક આઈડી પર સંપર્કમાં આવ્યા બાદ વૉટસએપ નંબરની આપ-લે થઈ’ને શરૂ થયો ખેલ: આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ
સાયબર ક્રાઈમ પ્રત્યે જાગૃતિ લાવવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં હજુ છેતરપિંડી કરવાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. ખાસ કરીને ન્યુડ કોલ' મતલબ કે વીડિયો કોલ કરીને કપડાં કાઢી નાખ્યા બાદ યુવતી દ્વારા શરૂ કરવામાં આવતાં બ્લેક મેઈલિંગથી નહીં ડરવા અને એક રૂપિયો પણ નહીં આપવા પોલીસ દ્વારા અનેક વખત અપીલ કરાઈ છતાં હજુ પણ લોકો પૈસા ગુમાવી જ રહ્યા છે.
આવો જ વધુ એક કિસ્સો ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર બન્યો છે જ્યાં ન્યુડ કોલના ચક્કરમાં યુવાને ૮૦,૦૦૦ ગુમાવી દીધા છે. આ અંગે તાલુકા પોલીસ મથકમાં દર્શિત મનસુખભાઈ કાલરિયા (ઉ.વ.૨૯, રહે.માધવ મીલન
એ’, બ્લોક નં.૨૦૧)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૭-૯-૨૦૨૩થી તા.૮-૯-૨૦૨૩ દરમિયાન તેને ફેસબુક ઉપર પૂનમ શર્મા નામે ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. રિકવેસ્ટ એકસેપ્ટ કર્યા બાદ બન્ને વચ્ચે વૉટસએપ નંબરની આપ-લે થઈ હતી.
ત્યારબાદ દર્શિત કાલરિયાના વૉટસએપ નંબર ઉપર નૂમન શર્માના નામે વીડિયો કોલ આવ્યો હતો જે ઉઠાવતાં જ પૂનમ શર્મા નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને દર્શિતને પણ નિર્વસ્ત્ર થવા માટે કહ્યું હતું. આ પછી તેનો બીભત્સ વીડિયો બનાવી લઈને દર્શિતને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. દર્શિતે બ્લેકમેઈલ નહીં કરવાનું કહેતાં જ જો તે તેને ૮૦,૦૦૦ નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેશે અને જો પૈસા આપી દેશે તો આ વીડિયો ડિલિટ કરી દેશે તેવું કહેતાં જ દર્શિતે પૈસા ઑનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. તેને અલગ-અલગ ચાર નંબર ઉપરથી ફોન આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
દિલ્હી સાયબર ક્રાઈમ'ના નામે ધમકાવી પડાવ્યા પૈસા
દર્શિત કાલરિયાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે ન્યુડ કોલનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધા બાદ સૌથી પહેલાં મારી પાસે ૫,૦૦૦ માંગ્યા હતા પરંતુ મારી પાસે ૨,૦૦૦ જ હોવાથી એ પૈસા મેં ગૂગલ-પે મારફતે મોકલી દીધા હતા. આ પછી મને
દિલ્હી સાયબર ક્રાઈમ’ના નામે ફોન આવ્યો હતો અને તેણે મને એમ કહ્યું કે જો તે પૈસા નહીં આપે તો તમામ વીડિયો વાયરલ કરી દેશે જેથી ગભરાઈને વધુ ૭૮,૦૦૦ આપ્યા હતા.