‘તુ મારી ઘરવાળીને સાચવે છો’ કહી બે મિત્રોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
ચંદ્રેશનગર પત્ની સાથે આડ સબંધ હોવાની શંકા કરી બે મિત્રોએ છરી અને પાઇપ વડે માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો :પોલીસે હત્યારાઓને દબોચ્યા
નવા વર્ષના પ્રારંભે જ રાજકોટ રક્તરંજીત થયું હતું.દિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી.ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે.જેમાં માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચંદ્રેશનગર શેરી નંબર-2માં ‘તુ મારી ઘરવાળીને સાચવે છો’ કહી બે મિત્રોએ યુવકને છરી અને પાઇપ વડે માર મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું.જયારે આ મામલે માલવિયા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ હત્યારાઓની અટકાયત કરવામાં આવી છે.
વિગત મુજબ શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા ચામુંડા નગર શેરી નંબર-3માં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા કમલેશ વિનોદ રાઠોડ (ઉ.વ.24) યુવક ગઈકાલે બપોરના સમયે ચંદ્રેશનગર શેરી નંબર-2માં તેના મિત્ર નિલેશ ગોહેલના ઘર પાસે હતો ત્યારે નિલેશ અને તેની સાથેના આશિષે પોતાની પત્ની સાથે આડસબંધ હોવાની શંકા કરીને ઝગડો કરીને કમલેશને પાઇપ અને છરી વડે માર માર્યો હતો.જેમાં કમલેશને ગંભીર ઇજા પહોંચતા તે બેભના થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું એક કલાકની સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવની જાણ થતા માલવિયા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે,કમલેશ અને આરોપી નિલેશ થતા આશિષ ત્રણેય મિત્રો છે.અને નિલેશની પત્ની થોડા સમય પૂર્વે રિસામણે જતી રહી છે.કમલેશને નિલેશની પત્ની સાથે આડસબંધ છે તેવી શંકા કરીને નિલેશ અવારનવાર ઝગડો કરતો હતો.આ બાબતે ગઈકાલે તેઓ વચ્ચે ઝગડો થયો હતો.જેથી આ ઘટનાની નિલેશના માતા દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ આ મામલે પોલીસે નિલેશ અને આશિષ સામે ગુનો નોંધી તેઓને સકંજામાં લીધા છે.
મૃતકના ભાઈનું સાત મહિના પહેલાં જ અકસ્માતમાં મોત થયું’તું
ચંદ્રેશનગર શેરી નં.2માં કમલેશ રાઠોડ નામના 24 વર્ષીય યુવાનની હત્યા થયા બાદ આખો પરિવાર વિખેરાઈ જવા પામ્યો હતો. મૃતક કમલેશના ભાઈનું સાત મહિના પહેલાં જ અકસ્માતમાં મોત થયું હતું જ્યારે હવે કમલેશની પણ હત્યા થઈ જતાં બન્ને ભાઈઓ મોતને ભેટી ગયા હતા. બન્ને સંતાનોના અકાળે મૃત્યુને કારણે માતા-પિતા રીતસરના ભાંગી પડ્યા હતા.