ત્રિચી ગેંગે શોર્ટ કટથી શ્રીમંત બનવા અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવ્યો’તો
રેકી કરી પરંતુ સફળતા નહિ મળતા જામનગર,રાજકોટ,અમદાવાદ અને દિલ્હીમાં પાંચ ચોરીને અંજામ અપાયો
જુનાગઢથી તમિલનાડુ મોટી રકમ ટ્રાન્સફર થઈ અને પોલીસને ત્રિચી ગેંગની માહિતી મળી
કાચ તોડી ચોરી કરનાર આંતરરાજ્ય ત્રિચી ગેંગના પાંચ સભ્યોની ધરપકડ
જામનગર અંબાણી પરિવારના પ્રસંગમાં મોટો હાથ મારવા આવેલી તમિલનાડુની ત્રિચી ગેંગે જામનગર,રાજકોટ, અમદાવાદ અને દિલ્હીમાં પાંચ ગુન્હાને અંજામ આપ્યો હતો અને કારના કાચ ફોડી લાખો રૂપિયાની રકમ ચોરી ગયા હતા. રાજકોટ માંથી રૂ.10 લાખની ચોરી બાદ ત્રિચી ગેંગે આ રકમ જુનાગઢના એક એટીએમ માંથી તમિલનાડુ ટ્રાન્સફર કરી હોય તે માહિતી રાજકોટ ક્રાઇમ બ્રાંચને મળ્યા બાદ એક પછી એક આ ટોળકીના પાંચ સભ્યોને રૂ.8 લાખની રોકડ સાથે પકડી લેવામાં આવ્યા હતા.ટોળકી રૂપિયા કમાવવાની લાલચમાં અને થોડા જ સમયમાં શ્રીમંત બનવા માટે અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
કારના કાચ તોડી ચોરીઓ કરતી ટોળકીનો લીડર મધુસૂદન ઉર્ફે વીજી સુગુમારન પાંચ માણસોની ટીમને હેન્ડલ કરે છે. ચોરી કરવાનું સ્થળ વિગેરે ટીમનો લીડર નક્કિ કરે છે અને તેની સુચના મુજબ ગેંગના માણસો ટ્રેઇન મારફતે મુસાફરી કરે છે અને અલગ-અલગ રાજ્યના શહેરોમાં બસ સ્ટેન્ડ, રેલ્વેસ્ટેશન, માર્કેટ વિગેરે જયા એક કરતા વધારે કારનું પાર્કીંગ રહેતુ હોય તેવા સ્થળોની રેકી કરી તકનો લાભ લઇ, હેર પીન તથા રબ્બર વડે ગીલોલ બનાવી નાના છરા થી કારના કાચ તોડી કાર અંદર રહેલ બેગ ની ઉઠાંતરી કરી નાસી જાય છે.જામનગરમાં અંબાણી પરિવારના પ્રસંગમાં વિશ્વભર માંથી આમિર લોકો આવવાના હોય જેથી ત્રિચી ગેંગે અંબાણી પરિવારને ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
તમીલનાડુ તીરૂચીરાપલ્લી શ્રીરંગમ જી. (ત્રીચી) પુગાનુર ગામ રામજીનગર મકાન નં. ૩/૨૨માં રહેતી જગન બાલસુબ્રમણ્યમ બગમુંડીયાર મલાઇપટ્ટી ગામ, હરીભાસ્કર કોલોનીમાં રહેતા દિપક પારથીબન અગમુડયાર, અરબાઝ કોલોની રામજીનગર કે કલકુડી, તીરૂચીરાપલ્લીના ગુનોકર ઉમાનાથ મુરલી વીરપથરન ઉર્ફે વીરભદન મોદલીયાર અને પુગનુરગામ, ન્યુસ્ટ્રીટ કોલોની સમજીનગર તીરૂચીસપલ્લીમાં રહેતા એગામરમ કાંતાન મુત્રયારની ધરપકડ કરી હતી.
આ ટોળકીનો સૂત્રધાર મધુસૂદન ઉર્ફે વીજી સુગુમારન ફરાર હોય જેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.
મોટી ચોરીની અંજામ આપવાની તૈયારીમાં ત્રિચી ગેંગ ગુજરાત આવી અને પ્રથમ અમદાવાદ માં ગત તા 1/3 ના રોજ વસ્ત્રાપુર સહિત ત્રણ જગ્યાએ કારના કાચ તોડી રૂ.12000 રોકડની ચોરી કરી અને બાદમાં તા 2/3ના રોજ આ ટોળકી જામનગર અંબાણી પરિવારના પ્રસંગમાં ચોરી કરવા આવી હતી અને અંબાણી પરિવારના પ્રિ વેડિંગ પ્રસંગમાં રેકી કરી હતી પરંતુ ત્યાં સુરક્ષા વ્યવસ્થા જોઈ અંદર પ્રવેશ કરવો અશક્ય હોય જેથી તા 2/3 ના રોજ બપોરે જામનગર બસ સ્ટેન્ડ પાસે આવી ત્યાં બે કારના કાચ તોડી રોડક ચોરી કરી હતી.
તા 2/3 ના રોજ સાંજે રાજકોટ આવી હતી અને રાજકોટમાં ઇમ્પિરિયાલ હાઈટ્સ નજીક કારખાનેદારે જ્યારે રોકડ ભરેલ બેગ કારની ડેકી માંથી પાછળની સીટમાં બેગ મૂકી ત્યારે આ ટોળકીની નઝર બેગ ઉપર પડી હતી. રૂ. 10 લાખની રોકડ ભરેલી બેગ ચોરી કરી આ ટોળકી જુનાગઢ નાસી ગઈ હતી ત્યાં સફળતા નહિ મળતા રાજકોટ માંથી ચોરી કરેલી રકમ એટીએમ મારફતે તામિલનાડુ મોકલી દિલ્હી ભાગી ગયા હતા અને દિલ્હીમાં તા 6/3ના રોજ મધુવિહાર વિસ્તારમાં કારના કાચ તોડી લેપટોપની ચોરી અને બીજા દિવસે તા 7/3ના રોજ લક્ષ્મીનગર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન પાસે બે કારના કાચ તોડી રૂ.30000 રોકડની ચોરી કરી હતી. દાખલ કરવામાં આવેલ હતો.
ગેંગના 65 સભ્યો દેશભરમાં ફેલાયેલા કોનો શું રોલ ?
તામિલનાડુની ત્રિચી ગેંગના કુલ 65 સભ્યો સમગ્ર દેશભરમાં ફેલાયેલ છે અને અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતી હોય ગુજરાતમાં ચોરીને અંજામ આપનાર ટોળકીનો સૂત્રધાર મધુસૂદન ઉર્ફે વીજી સુગુમારન છે જે હાલ ફરાર છે. તે ટોળકીનો લીડર છે અને તેની સૂચના મુજબ ચોરીને અંજામ અપાતો હતો. ગેંગના જગન બાલસુબ્રમણ્યમ જે ગિલોલ વડે કારના કાચ તોડવામાં માહિર છે.ટોળકીના દિપક, એગામરમ અને મુરલી રેકી કરતાં હતા અને વોચ રાખી કોઈ કારમાં બેગ હોય તેની માહિતી જગન બાલસુબ્રમણ્યમને આપતા હતા અને ઈશારો કરતાં જગન બાલસુબ્રમણ્યમ તે કારના કાચ તોડતો અને બાદમાં ગુનશેકરને ઈશારો કરે એટેલે ગુનશેકર તે બેગની ચોરી કરતો હતો.
કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમ
આ ટોળકીને પકડી પડવા માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી,ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ,એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયા સુચના અને માર્ગદર્શન હેઠળ પી. આઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ એમ.જે.હુણ, પીએસઆઈ એ.એન.પરમાર સાથે એ.એસ.આઇ. ઘનશ્યાભાઇ મેણીયા, અમિતભાઇ અગ્રાવત, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી. કુલદિપસિંહ રાણા, પ્રદિપસિંહ જાડેજા, મહાવિરસિંહ ચુડાસમા, હિરેનભાઇ સોલંકીએ કામગીરી કરી હતી.