વેપારીએ ૯૫ લાખની ઑનલાઈન હર્બલ પ્રોડક્ટ મંગાવી’ને મળ્યા ધૂળના ઢેફાં !
બેડી માર્કેટિંગ યાર્ડમાં રામ ઈમ્પેક્સ નામે પેઢી ધરાવતાં વેપારી સાથે ભારતની પવનકુમાર નામની કંપનીની મસમોટી છેતરપિંડી
અમેરિકી કંપની પોલો હોર્સને હર્બલ પ્રોડક્ટનો જથ્થો સપ્લાય કરવાનો મેઈલ કરી વેપારી અને તેના ભાણેજને શીશામાં ઉતાર્યા: સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાયો ગુનો
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં શ્રી રામ ઈમ્પેક્સ નામે પેઢી ધરાવતાં પટેલ વેપારી સાથે ઑનલાઈન હર્બલ પ્રોડક્ટના નામે ૯૫ લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે વેપારીએ ૯૫ લાખની હર્બલ પ્રોડક્ટનો ઓનલાઈન ઓર્ડર આપ્યા બાદ જે જથ્થો આવ્યો તે તમામમાં ધૂળના ઢેફા, માટી જ ભરીને મોકલી દેવામાં આવી હતી !
આ અંગે વેપારી વીમલભાઈ ગાંડુભાઈ ડોબરિયા (ઉ.વ.૪૦, રહે. મોરબી રોડ)એ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા ૧૯ વર્ષથી રામ ઈમ્પેક્સ પેઢીનું સંચાલન કરી રહ્યા છે. એક વર્ષ પહેલાં તેમના ભાણેજ વિરાજ રમેશભાઈ પરસાણા (રહે.પેડક રોહ)ને તેના મેઈલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો જેમાં વિદેશી કંપની પોલો હોર્સ માટે ભારતમાં એક્સપોર્ટર માટે આસિસ્ટન્ટ કંપનીની જરૂર છે. આ પછી વિરાજને અલગ-અલગ ઈ-મેઈલ આઈડી પરથી મેઈલ આવ્યા હતા સાથે સાથે તેના મોબાઈલ નંબર ઉપર પણ વિદેશી નંબરથી સંપર્ક કરવામાં આવી રહ્યો હતો.
આ પછી વિરાજ વીમલભાઈની પેઢીએ આવ્યો હતો અને કહ્યું હતું કે ભારતની લોકલ કંપની પાસેથી હર્બલ પ્રોડક્ટની ખરીદી કર્યા બાદ તે જથ્થો યુએસએમાં સપ્લાય કરવાનો છે. ત્યારબાદ અમે ભારતની જ પવનકુમાર નામની કંપની પાસેથી માલની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. પવનકુમાર કંપની પાસેથી મેઈલ તેમજ ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ઓર્ડર આપ્યો હતો અને તે પેટે અલગ-અલગ સમયે ૧૮ વખત ૯૫ લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરી દીધું હતું.
પૈસા ચૂકવ્યા બાદ અર્બલ પ્રોડક્ટ માટેનું એક કુરિયર ભાણેજ વિરાજને ઘેર આવ્યું હતું. જ્યારે બાકીના તમામ પાર્સલ મવડી ચોકડી પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પરથી અમે લેવા ગયા હતા. આ પાર્સલ ઘેર લાવીને ખોલતાં તેમાંથી હર્બલ પ્રોડક્ટની જગ્યાએ ધૂળના ઢેફા અને માટી જ નીકળતાં અમે આ અંગેની સીઆઈડી ક્રાઈમ-ગાંધીનગર ખાતે અરજી કરી હતી. હવે આ અરજીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પવનકુમાર કંપનીના સંચાલકોની શોધખોળ શરૂ કરી છે.
