RTO એજન્ટના મકાનમાં થયેલી રૂ.3.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ગેસએજન્સીના કામર્ચારી બની લોકોના ઘરમાં ઘૂસી ચોરી કરનાર શખ્સ પકડાયો,અન્ય બે ચોરીની પણ કબૂલાત
રાજકોટમાં ઢેબર રોડ નજીક કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે રહેતા આરટીઓ એજન્ટના મકાનને નિશાન બનાવી રૂ.3.50 લાખની મતા ચોરી કરનાર તસ્કરને ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ એ. એન. પરમારની ટીમે પકડી પૂછપરછ કરતા અન્ય બે ચોરીના ભેદ પણ ખૂલ્યા છે. ગેસએજન્સીના કર્મચારીનો સ્વાંગ રચી ઘરમાં ઘૂસી ચોરી કરનાર શખ્સની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.
કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે રહેતા આરટીઓ એજન્ટના ધીરજભાઈ રતિલાલ પોપટાણી (ઉ.વ.૭૫)ના મકાનમાં ગત તા 14/2 ના રોજ ચોરી હતી હતી. ધીરજભાઈ ઘરને તાળા લગાવી આરટીઓ ઓફિસે ગયા હતા. સાંજે પરત ઘરે આવતા મકાનના દરવાજાને મારેલુ તાળુ તુટેલું જોવા મળ્યું હતું. જયારે સામાન વેરવિખેર પડેલ હતો. આ ઉપરાંત કબાટનું લોક પણ તુટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતા તસ્કરો કબાટના ખાનામાં રાખેલા રૂ. ૩.૫૦ લાખની રોકડ અને રૂ.૫૦૦ની કિંમતના ચાંદીના સિક્કા ચોરી થઈ હતી. જે બાબતે ફરિયાદ નોંધાવી હતી. ભકિતનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. પરમાર અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે આ ચોરીમાં સંડોવાયેલ મૂળ જામનગર જિલ્લાના ધ્રોલના વતની અને હાલ રાજકોટમાં રાધામીરા પાર્ક શેરી નં. ૩, મોરબી રોડ, સેટેલાઇટ ચોક પાસે, રહેતા કેતન ડોલરભાઇ ઉર્ફે દિનેશભાઇ રાઠોડ (ઉ.વ. ૩૮)ની ધરપકડ કરી પૂછપરછ કરતાં અન્ય બે ચોરીના ભેદ પણ ખૂલ્યા છે.
પકડાયેલ કેતન રાજકોટ શહેરમાં અલગ અલગ સોસાયટીમાં દિવસ દરમ્યાન અલગ અલગ સમયે નીકળી પોતે બંધ મકાનમાં તાળા તોડી ઘરમાથી ચોરી કરતો હતો તેમજ પોતે ગેસ એજન્સી માથી આવતો હોવાની ખોટી ઓળખ આપી મકાનમાં પ્રવેશ કરી અને ગેસનુ બીલ જોવા માંગતા મકાન માલીક બીલ શોધવા જાય તે સમય દરમ્યાન નજર ચુકવી ઘર માથી ચોરી કરતો હતો. કેતને આશરે એકાદ મહીના પહેલા રાજકોટ ભકિતનગર સર્કલ પાસે એક મકાનમાં પોતે ગેસ એજન્સી માથી આવતો હોવાનુ જણાવી ગેસને લગતી ફરિયાદ આવેલ હોવાનુ બહાને ઘરે આવી મકાન માલીક પાસે ગેસનુ જુનુ બીલ માંગતા મકાન માલીક બીલ લેવા જતાં ઘરમાં ટેબલ ઉપરથી એક લેડીસ પર્સની ચોરી કરી હતી. 25 દિવસ પહેલા ભકિતનગર સોસાયટીમાં મીલન બગીચાની સામે એક મકાનમાં પણ આ જ રીતે ચોરી કરી હતી. કેતન રાઠોડ અગાઉ આજીડેમ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.