નવું બાઈક લઇ આપવાની ના પાડતાં સાવકા પુત્રએ પિતાની કરી હત્યા
કટારીયા ચોકડી પાસે પુત્ર બોથડ પદાર્થના ઘા મારી ભાગી ગયો : સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો”ને પોલીસે પુત્ર સામે ગુનો નોંધી પકડ્યો
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.નવું બાઈક લઈ દેવાનું કહી સાવકા પુત્રએ બોથડ પદાર્થના ઘા મારી પિતાને ગંભીર ઇજા પહોંચાડી હતી.જેથી પિતાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.અને તેનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી હત્યારા સાવક પુત્રની ધરપકડ કરી છે.
વિગતો મુજબ કટારીયા ચોકડી પાસે કટારીયા શોરૂમ પાછળ ઝુપડામાં રહેતા કમલેશબેન રાજેશભાઇ કુમારપાલએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના પુત્ર જોગિન્દર કિશન રામસુરૂપ નામ આપતા જણાવ્યું હતું કે તેણીના પ્રથમ લગ્ન કિશન રામસુરૂપ સાથે થયેલ હતાં. જેનાથી સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. જેમાં મોટો દિકરો જોગીન્દર અને નાનો મુકેશ છે.બંને સંતાનોના લગ્ન થઈ ગયા છે. છ વર્ષ પહેલાં કૌટુંબિક ભત્રીજા રાજેશ કુમારપાલ રાજપૂત (ઉ.વ.40) સાથે પ્રેમ સંબંધ થતાં તેની સાથે કણકોટ પાટીયા પાસે ઝુપડુ વાળીને રહેતાં હતા. ગત તા.18/11/2024 ના રોજ સાંજના સાતેક વાગ્યાં આસપાસ કોમલ અને તેનો પતિ રાજેશ પોતાના ઝૂપડામાં હતાં ત્યારે જોગીન્દર અને તેની પત્ની જમવા માટે આવ્યા હતાં. બાદમાં રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ જોગીન્દરે બાઈક લઈ દેવાનું કહી રાજેશ સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો.અને તેના સાવકા પિતા રાજેશને માથામાં બોથડ પદાર્થ મારી દીધો હતો. જેથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેનું ગઈકાલ સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.અને આ બનાવ મામલે તાલુકા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી જોગિન્દર કિશન રામસુરૂપની અટકાયત કરી છે.