પુત્રએ યુવતીને ગર્ભવતી બનાવી, માતા-કાકીએ ગર્ભપાત કરાવ્યો!
ખોડિયારનગરમાં રહેતી મૂળ રાજસ્થાનની ૧૯ વર્ષીય યુવતી પર પ્રેમીએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું: ગર્ભવતી થતાં જ પ્રેમીની માતા-કાકીએ `શક્તિની દવા’ના નામે ગર્ભપાતની ગોળીઓ ખવડાવી પાપને છૂપાવવા કર્યો પ્રયત્ન
રાજકોટના ખોડિયાનગર પાસે રહેતી મુળ રાજસ્થાનની ૧૯ વર્ષીય યુવતી પર તેના પ્રેમીએ વારંવાર દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતિ બનાવી દીધા બાદ યુવકની માતા-કાકીએ પાપ છૂપાવવા ગર્ભપાત કરાવી નાખતાં આ મામલે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ૧૯ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ચાર મહિનાથી રાજકોટમાં રહે છે. અહીં તે મુન્નારામ બાબુરામ ભાટીનો પુત્ર પ્રહલાદ કે જે રૈયાધારમાં રહે છે તેને ચારેક વર્ષથી ઓળખતી હોય બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રહલાદ પણ રાજસ્થાનનો હોવાથી બન્ને વારંવાર રાજસ્થાનમાં મળતા હતા. દરમિયાન યુવતીના લગ્ન રાજસ્થાનના મીઠાપુર ખારી (જોધપુર)માં મુકેશ નામના યુવક સાથે દોઢ વર્ષ પહેલાં થયા હતા પરંતુ લગ્નના પંદર દિવસ બાદ જ મુકેશને પ્રહલાદ વિશે જણાવીને પિતાના ઘેર રાજકોટ આવી ગઈ હતી. પ્રહલાદ પણ રાજકોટમાં હોય બન્ને વારંવાર મળવા લાગ્યા હતા. આ સંબંધની જાણ પિતાને થઈ જતાં બધા રાજકોટથી રાજસ્થાન ચાલ્યા ગયા હતા જ્યાં દસ દિવસ રોકાઈને યુવતી પ્રહલાદના ઘેર જતી રહી હતી. આ પછી પ્રહલાદ રાજકોયથી તેના રાજસ્થાનના ગામ પીપળીયા કલા આવી ગયો હતો. ત્યાં સુધીમાં યુવતીએ પૂર્વ પતિ મુકેશ સાથે છૂટાછેડા લઈ લીધા હતા.
મુકેશ સાથે છૂટાછેડા બાદ યુવતી પ્રહલાદના ઘેર પત્ની તરીકે રહેતી હતી ત્યારે તેણે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી રાજકોટમાં તેણે ગોંડલ ચોકડીથી આગળ સૂમસામ જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો જેના કારણે યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. યુવતીએ ગર્ભ રહી ગયાની જાણ કરતા જ પ્રહલાદે લગ્ન કરવાની તૈયારી બતાવી હતી પરંતુ ૨૦ દિવસ પહેલાં રાજસ્થાનથી રાજકોટ આવવા નીકળી ત્યારે પ્રહલાદે લગ્ન કરવાની ના પાડીને યુવતીને તેની માતા સમદીબેન અને કાકી મનિષા સાથે રાજકોટ મોકલી દીધી હતી. સમદી અને મનિષા તેને દવાખાને લઈ ગયા હતા જ્યાં શક્તિની દવાના નામે ગર્ભપાતની દવા આપી છેતરપિંડી કરી હતી. પોલીસે દુષ્કર્મી પ્રહલાદ, તેની માતા સમદી અને કાકી મનિષા સહિતના સામે ગુનો નોંધી દબોચી લેવા તજવીજ શરૂ કરી છે.