ધોરાજીના નાની પરબડી ગામે મળેલી ખોપડી મહિલાની હતી: પતિ-દિયરનું જ કારસ્તાન
૯ મહિના પહેલાં સંચા પર બેઠેલી પત્નીને ગળે ટૂંપાો દઈ મોત આપ્યું’તું: બન્નેની ધરપકડ કરી રૂરલ પોલીસ
ઘરકંકાસને કારણે વાત હત્યા સુધી પહોંચી: હત્યા કરી લાશને કુંડીમાં ફેંકી’ને પછી તેને બૂરી દીધી
થોડા દિવસ પહેલાં ધોરાજીના નાની પરબડી ગામે આવેલા એક કારખાનામાંથી માનવ ખોપડી દાટેલી હાલતમાં મળી આવતાં પોલીસમાં દોડધામ થઈ પડી હતી. આ પછી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ ખોપડી એક મહિલાની હોવાનું અને તે મહિલાને નવ મહિના પહેલાં પતિ અને દિયરે જ મળીને મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલતાં બન્નેને ઉત્તરપ્રદેશના ઈટાવાથી પકડી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીઆઈ ડી.જી.બડવા, એસઓજી પીઆઈ એફ.એ.પારઘી, ધોરાજી પીઆઈ આર.જે.ગોધમ, પીએસઆઈ બી.સી.મિયાત્રા સહિતની ટીમે ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના નગલાદયા ગામેથી વિપીન દિવાનસિંઘ યાદવ અને તેના ભાઈ સૌરભસિંઘ દિવાનસિંઘ યાદવને પકડી પાડ્યા હતા.
પહેલાં તો બન્નેએ હત્યા અંગે ગલ્લાતલ્લા કર્યા હતા પરંતુ આગવી ઢબે પૂછપરછ કરતાં બન્ને ભાંગી પડ્યા હતા. વિપિનની પત્ની રેશમાદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ દરરોજ ઘરકંકાસ કરીરહી હોય ભાઈ સૌરભને આ પજવણીથી છૂટકારો અપાવવા માટે રેશમાદેવીને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી વિપીનનો પુત્ર આરુષ શાળાએ ગયો ત્યારે સૌરભ કારખાના કમ્પાઉન્ડ આસપાસ કોઈ છે કે નહીં તેની ખરાઈ કરી આવ્યો હતો. કોઈ હાજર ન હોવાથી મોકો શોધી બન્ને રેશમાદેવી પાસે ગયા હતા. આ વેળાએ રેશમાદેવી સંચા પર કામ કરી રહી હોય વિપીને દુપટ્ટાથી તેને ગળેટૂંપો આપ્યો હતો અને સૌરભે તેનું મોઢું દબાવી રાખ્યું હતું. જ્યાં સુધી રેશમાનો શ્વાસ બંધ ન થયો ત્યાં સુધી બન્નેએ તેને પકડી રાખી હોવાની કબૂલાત આપી હતી.
હત્યા કર્યા બાદ બન્નેએ કારખાનાના શેડ પાસે આવેલી કુંડીમાં જ રેશમાની લાશને ફેંકી દીધી હતી અને તેના ઉપર માટી પૂરી દેતાં નવ મહિનાથી લાશ અહીં જ ધરબાયેલી રહી હતી.