બેડી ચોકડીએ યુવકને ઉલાળી રિક્ષાચાલક ફરાર, પોલીસે ૮ કિ.મી. પીછો કરી દબોચ્યો
રિક્ષામાંથી દારૂની બે બોટલ પણ મળી: હાઈ-વે પેટ્રોલિંગ ટીમને શેરી-ગલીઓમાં દોડાવ્યા બાદ આખરે રેલનગરમાં ગરબી વચ્ચે આવી જતાં બ્રેક મારવી પડી
રાજકોટમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપર અત્યારે પોલીસ `કાળ’ બનીને ત્રાટકી રહી હોય મોટા ગજાના બૂટલેગર તરીકે જેની ગણતરી થઈ રહી હતી તે અત્યારે ભોંભીતર થઈ ગયા છે ત્યારે છૂટક માલ ખરીદી પ્યાસીઓ સુધી પહોંચાડનારા તેમજ છાનેખૂણે એકાદ-બે બોટલ લઈ પ્યાસ બુઝાવનારા પ્યાસીઓ હજુ પણ આમતેમ ભટકી રહ્યા છે. આવી જ દારૂની બે બોટલ રિક્ષામાં છૂપાવીને બે શખ્સો બેડી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક યુવકને ઉલાળી દેતાં ગભરાઈને રિક્ષા ભગાવી મુકી હતી.
આ વેળાએ હાઈ-વે પેટ્રોલિંગ ટીમ ત્યાં જ તૈનાત હોય તેણે ૮ કિલોમીટર સુધી રિક્ષાનો પીછો કરીને બેમાંથી એક શખ્સને દબોચી લીધો હતો. ગુરૂવારે રાત્રીના સમયે બેડી ચોકડી પાસેથી રિક્ષા નં.જીજે૩-૮એક્સ-૩૪૩૬ના ચાલકે એક યુવકને હડફેટે લેતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો. આ પછી રિક્ષા ભગાવી મુકતાં હાઈ-વે પર પેટ્રોલિંગ કરતી ટીમે રિક્ષાનો પીછો કર્યો હતો. બેડી ચોકડીથી શરૂ થયેલી આ રેસ છેક રેલનગરમાં પૂરી થઈ હતી. આ દરમિયાન રિક્ષાચાલકે પોલીસને શેરી-ગલીઓમાં ઘૂમરાવે ચડાવી હતી. જો કે પોલીસે પણ હાર માન્યા વગર તેનો પીછો ચાલું જ રાખ્યો હતો. અંતે રેલનગરના સંતોષીનગરમાં ગરબીનું આયોજન હોવાને કારણે રસ્તો બંધ હોવાથી ચાલકે બ્રેક મારવી પડી હતી.
આ પછી પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવતાં સ્ટાફે દોડી જઈ રિક્ષાનું ચેકિંગ કરતાં તેમાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતાં રિક્ષાચાલક સચિન પ્રવીણભાઈ વોરા (ઉ.વ.૨૦)ને પકડી લીધો હતો જ્યારે તેની સાથે રહેલો કરણ નીતિનભાઈ મકવાણા ફરાર થઈ જતાં તેની સામે ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.