૨.૧૩ કરોડની ‘બેનંબરી’ રોકડ-ચાંદી મંગાવનારની ઓળખ થઈ: ઈન્કમટેક્સે તપાસમાં ઝંપલાવ્યું
રાજકોટના વેપારીઓએ કુરિયરની વેનમાં ચાંદી-રોકડનો જખીરો' મંગાવ્યો'તો
રોકડ સાથે પકડાયેલા વેનચાલક પાસેથી મળેલા મોબાઈલ નંબરના આધારે ઓળખ થઈ જતાં ટૂંક સમયમાં જ ઈન્કમટેક્સને સાથે રાખી પોલીસ પાર પાડશે ઓપરેશન
મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર પર ખંગેલા ચેકપોસ્ટ પાસેથી દાહોદ પોલીસે ૧૦૮ કિલો ચાંદી અને ૧.૩૮ કરોડની રોકડ પકડ્યા બાદ તેના તાર રાજકોટ સુધી લાંબા થયા હતા
દાહોદ પોલીસે મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર પર ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક કુરિયર વાનના ચોરખાનામાં છુપાવી રાખેલા ૧૦૮ કિલો ચાંદી અને ૧.૩૮ કરોડની રોકડ પકડી પાડ્યા બાદ આ તમામ બેનંબરી' માલ રાજકોટના વેપારીઓએ મંગાવ્યાનો ખુલાસો થયો હતો. જો કે વાનચાલક પાસે રાજકોટમાં કોણે આ જથ્થો મંગાવ્યો તેનું નામ તો પોલીસને મળ્યું ન્હોતું પરંતુ એક મોબાઈલ નંબર હાથ લાગી જતાં તેના આધારે આ માલ મંગાવનારની ઓળખ થઈ જતાં ટૂંક સમયમાં જ પોલીસ રાજકોટમાં દરોડા પાડશે તે નિશ્ચિત છે. બીજી બાજુ આટલી મોટાપાયે ચાંદી અને રોકડ મળતાં પોલીસ દ્વારા ઈન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી હોવાથી હવે તેણે પણ તપાસમાં ઝંપલાવ્યું છે.

પંચમહાલ-ગોધરા રેન્જ આઈજી આર.વી.અસારી, દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કતવારા પોલીસ મથકના પીઆઈ ઉમેશ ગાવિત સહિતની ટીમે ખંગેલા ચેકપોસ્ટ ઉપર બંધ બોડીની બોલેરો કેમ્પર વાન નં.એમપી-૩૨-ઝેડએ-૯૦૫૪માંથી ૧૦૮.૪૫૯ કિલો ચાંદીના બિસ્કિટ તેમજ દાગીના કે જેની બજારકિંમત ૭૫.૬૦ લાખ થવા જાય છે તે અને અલગ-અલગ દરની ચલણી નોટના ૧,૩૮,૪૭,૪૯૦ના બંડલ સાથે મુળ ઝાંસીના વીરેન્દ્રકુમાર રામલાલ શર્મા, મનિષકુમાર રામેશ્વરપ્રસાદ અને રાજુ શ્રીકાલીપ્રસાદની ધરપકડ કરી આ જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ કરી હતી.
શરૂઆતમાં તો આ ત્રણેય ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોય પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ હતી. જો કે પોલીસે જેવું ત્રીજું નેત્ર ખોલ્યું કે ત્રણેય પોપટ બની ગયા હતા અને ફટાફટ માહિતી ઓકવા લાગ્યા હતા. આ અંગે કતવારા પોલીસ મથકના પીઆઈ ગાવિતે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણેયને રાજકોટમાં ચાંદી અને રોકડ કોણે મંગાવ્યા છે તેનું ચોક્કસ નામ ખબર નથી પરંતુ પૂછપરછમાં તેમની પાસેથી એક મોબાઈલ નંબર મળ્યો છે જેના આધારે ઓળખ કરી લેવામાં આવી છે. બીજી બાજુ આ પ્રકારે રોકડ-ચાંદી પકડાય એટલે ઈન્કમટેક્સને જાણ કરવાની હોય પોલીસ દ્વારા એ કાર્યવાહી કરી લેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ઈન્કમટેક્સને સાથે રાખી દાહોદ પોલીસ રાજકોટ આવશે અને મોબાઈલ નંબરના આધારે થયેલી ઓળખ પરથી એ વ્યક્તિને દબોચીને આગળના નામ ખોલાવવામાં આવશે.