સવા મહિનાથી પોલીસને ‘મામું’ બનાવતો કુખ્યાત ‘ભાણુ’ પકડાયો !
પાંચ ફેબ્રુઆરીએ પ્ર.નગર પોલીસ પર હુમલો કર્યા બાદ ૨૨ ફેબ્રુઆરીએ ફરી હાથ સાફ કર્યો’તો
૧૫ દિવસ અજમેર રોકાયા બાદ બાકીનો સમય રાજકોટમાં જ રખડ્યે રાખ્યો: એસઓજીએ ભવાનીનગરમાંથી દબોચી ભાંભરડાં નખાવી દીધાં
રાજકોટ સહિત ગુજરાતમાં ગુનાખોરી આઉટ ઑફ કંટ્રોલ' થઈ જતાં રાજ્ય પોલીસવડા દ્વારા ૧૦૦ કલાકની અંદર લુખ્ખાઓ, ગુંડાઓ, ટપોરીઓની યાદી તૈયાર કરી તેમની સામે આકરાં હાથે કાર્યવાહી કરવા આદેશ છૂટતાં જ પોલીસ
એક્શન મોડ’માં આવી ગઈ હતી. દરમિયાન રાજકોટના પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ ઉપર એક નહીં બલ્કે બબ્બે વખત હુમલા કરી ફરાર થઈ જતાં કુખ્યાત માજીદ ભાણુંને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ પકડી પાડી આગવી ઢબે સરભરા કરતાં રીતસરના તે ભાંભરડાં નાખી ગયો હતો.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાા, એન.વી.હરિયાણીના માર્ગદર્શન હેઠળ ટીમના ઉપેન્દ્રસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ, હાર્દિકસિંહ પરમાર, રાજુભાઈ બાળા સહિતની ટીમે જંગલેશ્વરના ભવાનીનગરમાં દરોડો પાડી માજીદ ભાણુને દબોચી લીધો હતો. માજીદે પાંચ ફેબ્રુઆરીએ રૂખડિયાપરામાં ધમાલ મચાવી હોય તેને પકડવા માટે પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ગયા બાદ તેમના ઉપર હુમલો તેમજ બાઈકમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવી દીધો હતો.
આ ગુનાને અંજામ આપ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આ પછી ૨૨ ફેબ્રુઆરીએ માજીદ ભીસ્તીવાડમાં હોવાની બાતમી મળતાં બે કોન્સ્ટેબલ તેને પકડવા જતાં તેમના ઉપર છરીથી હુમલો કરી ભાગી ગયો હતો. એકંદરે માજીદ પોલીસને રીતસરનો પડકાર ફેંકી રહ્યો હોય એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી સહિતની બ્રાન્ચે પણ તેને પકડવા મથામણ શરૂ કરી હતી.
દરમિયાન એસઓજીને સફળતા સાંપડતાં માજીદને પકડી પાડ્યો હતો. તપાસમાં ખુલ્યા પ્રમાણે પોલીસ પર હુમલો કર્યા બાદ માજીદ ૧૫ દિવસ અજમેર ભાગી ગયો હતો અને ત્યાં રોકાયા બાદ ફરી રાજકોટ આવી ગયો હતો. હાલ રમઝાન માસ ચાલી રહ્યો હોય તે રોજું રાખતો અને બપોરે ૨:૩૦ વાગ્યે ઘરેથી નીકળી જઈ સાંજે છ વાગ્યે પરત આવી જતો હતો.
SOG બાદ ડીસીપીની હાજરીમાં પ્ર.નગર પોલીસે કરી સરભરા
કુખ્યાત માજીદ ભાણુને પકડીને એસઓજી દ્વારા બરાબરનો પોંખવામાં આવ્યા બાદ તેને ભીસ્તીવાડમાં રિ-ક્નસ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માજીદની સોંપણી પ્ર.નગરને કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા પ્ર.નગર પોલીસ મથકે દોડી ગયા હતા જ્યાં તેમની હાજરીમાં સ્ટાફે માજીદની બરાબરની સરભરા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.