ખૂનનો બદલો ઘર સળગાવીને લીધો
ઢેબર કોલોનીમાં જૂના મનદુખમાં પ્રૌઢની હત્યા કર્યાનો ખાર રાખી તેના પિતરાઇ ભાઈઓએ બે મકાનમાં તોડફોડ કરી 60 હજારનો સામાન ચોરી કર્યો : ભક્તિનગર પોલીસે 8 સામે ગુનો નોંધ્યો
રાજકોટમાં 20 દિવસ પૂર્વે ઢેબર રોડ પર ઢેબર કોલોનીમાં જૂના ઝગડાનો ખાર રાખીને બે જુથ વચ્ચે હથિયારો વડે મારામારીની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.અને આ મામલે પોલીસે ગુનેગારોને પકડી જેલ હવાલે કરી દીધા હતા. ત્યારે પ્રૌઢની હત્યા કર્યાનો ખાર રાખીને તેના 8 જેટલા પિતરાઇ ભાઈઓએ આરોપીની બે બહેનના ઘરને સળગાવી તોડફોડ કરી 60 હજારનો સામાન ચોરી જતાં ભક્તિનગર ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગત મુજબ ઢેબર કોલોનીમાં રહેતા શારદાબેન કમલેશભાઇ ચુડાસમા અને રેખાબેને નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ભાદા દુલા સોલંકી ,મુકેશ ભાદા સોલંકી,ભાદાનો ભત્રીજો ધ્રુવ,ગોવિંદ હોઠારો,ગોવિંદની માતા,ચંદુનો દીકરો સન્ની,વિજય રામદાસ અને મહેશ રામદાસનું નામ આપતા જણાવ્યું હતું કે, 20 દિવસ પૂર્વે તેમના ભાઈઓને આરોપીના ભાઈઓ સાથે માથાકૂટ થઈ હતી.જેમાં સુરેશભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી હતી.અને આ મામલે ગુનો નોંધાતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.ગત તા.27ના તેઓ ધોકડવા ગામે ગયા હતા ત્યારે આરોપી તેમના બંધ મકાનનું તાળું તોડી અંદર ઘસી ગયા હતા.અને ઘરની ઓસરીમા આગ લગાડી કબાટમાં રાખેલા ચાંદીના ઘરેણાં તેમજ કેશિયો પાર્ટીના બે બેન્જા મળી કુલ રૂ.60 હજારનો સામાન ચોરી જઈ ઘરમાં તોડફોડ કરી હતી.જેથી આ મામલે ભક્તિનગર પોલીસના પીએસઆઇ આર.કે.સામુદ્રેએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.