સોપારી આપી કન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હુમલો કરાવનારે ફરી લખણ ઝળકાવ્યા
યુવતીએ સગાઈ તોડી નાખતા પરિવારજનો સાથે ઘરે જઈ ડખ્ખો કરી સતત મારી નાખવાની ધમકીઓ આપતા નોંધાતો ગુનો
શહેરમાં મોટામવામાં રહેતા અને થોડા દિવસો પૂર્વે કન્સ્ટ્રકશનના ધંધાર્થી પર હુમલો કરવાની સોપારી આપનાર શખસે તેના પરિવારજનો સાથે મળી ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતી યુવતીને સગાઇ તોડી નાખવા બાબતે ધમકાવી તેની સાથે ઝઘડો કર્યો હતો. અને બ્રહ્માણી પાર્કમાં રહેતા યુવતીના ફઈના પુત્રના ઘર પાસે જઇ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હોવાથી બી ડિવિઝન પોલીસે બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધ્યો છે.
વિગતો, મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર સોસાયટી શેરી નંબર ૪ માં રહેતી તુલજાબેન મચ્છાભાઈ ઠુંગા (ઉ.વ ૨૮) નામની યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોટા મોવા સ્મશાન સામે રહેતા ઉત્તમ ગાંડુભાઈ વકાતર તેનો ભાઈ મહેશ વકાતર, શ્રદ્ધાબેન ગાંડુભાઇ વકાતર, મનિષાબેન મહેશભાઈ વકાતરના નામ આપતા જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૨૩ માં યુવતીના પિતા મચ્છાભાઈનું કેન્સરની બીમારીથી મૃત્યુ થયું હતું. દોઢ વર્ષ પૂર્વે યુવતી ની સગાઈ ગાંડુ વકાતરના પુત્ર ઉત્તમ સાથે થઈ હતી. ત્યારબાદ ત્રણેક મહિના પછી ઉત્તમની બહેન હીનાની સગાઈ ફરિયાદીના ફઈના પુત્ર સુનીલ સાથે થઈ હતી.
સગાઈ થયા બાદ ઉત્તમ અને તેનો ભાઈ મહેશ ઘરે આવી તથા ફોન કરી અવારનવાર ધમકીઓ આપતા ઉત્તમ સાથે સગાઈ તોડી નાખી હતી અને તેના ફઈના પુત્રએ સગાઈ તોડી નાખી હતી. જેનો ખાર રાખીને યુવતીના ફઈના પુત્ર હિતેશભાઈના ઘરે ઉત્તમ અને મહેશે જઈ ઝગડો કર્યો હતો.બાદ બીજના તહેવારના દિવસે રાત્રીના યુવતી ઘરે મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે,આરોપી મહેશ ગાંડુ વકાતરે થોડા દિવસ પૂર્વે બાપા સીતારામ ચોક પાસે રહેતા કન્સ્ટ્રક્શનના ધંધાર્થી મહેશ મેઘાણી પર ત્રણ શખસોને સોપારી આપીને હુમલો કરાવ્યો હતો. ત્યારે તેના વિરુદ્ધ ફરી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.