ડ્રગ્સની છેલ્લી ખેપ મારી’ને પકડાયો
અત્યાર સુધીમાં બારેક વખત નેપાળ સરહદેથી ડ્રગ્સ લાવ્યાની કેફિયત: જેને ડ્રગ્સ આપવાનું હતું તેને કહી દીધું હતું કે હવે ક્યારેય ડ્રગ્સ લેવા નહીં જાઉં, બીજો માણસ શોધી લેજે'
રામાપીર ચોકડી પાસેથી પકડી લેવાયો: ૩.૧૩ લાખનું ડ્રગ્સ કબજે
રાજકોટમાં ડ્રગ્સના દૂષણ ઉપર એક બાદ એક દરોડા પાડી રહેલા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ વધુ એક પેડલરને પકડી પાડતાં બંધાણીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આવો જ રાજકોટનો એક શખ્સ ડ્રગ્સની છેલ્લી ખેપ મારીને આવ્યો ત્યાં જ પોલીસે તેને પકડી પાડ્યો હતો. એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ તેમજ ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે રામાપીર ચોકડીના પુલ નીચેથી ૬૨.૭૨ ગ્રામ બ્રાઉન સુગર કે જેની કિંમત ૩,૧૩,૬૦૦ રૂપિયા થાય છે તેના સાથે ડ્રાઈવિંગનું કામ કરતા કેતન અશોકદાન ઉધાસ (ઉ.વ.૩૯, રહે.રામાપીર ચોકડી, લાભદીપ સોસાયટી)ને પકડી પાડ્યો હતો.
કેતનની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેણે બારેક વખત ભારત-નેપાળ સરહદેથી આ પ્રકારને ડ્રગ્સની ખેપ મારી હતી. જો કે જેના માટે તે ડ્રગ્સ લાવવાનું કામ કરતો હતો તે શખ્સનેપોતાની આ છેલ્લી ટ્રીપ છે, બીજો માણસ શોધી લેજે’ તેવું કહીને જ આ ડ્રગ્સ લાવ્યો હતો. જો કે તેની છેલ્લી ખેપ લાગે તે પહેલાં જ પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી.
બીજી બાજુ આ ડ્રગ્સ જેને આપવાનું હતું તેના સુધી પણ એસઓજી પહોંચી ગયાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
માત્ર નેપાળી શખ્સોને જ ડ્રગ્સ વેચવાનું, એક ટ્રીપથી કેતન ૬૦,૦૦૦ કમાતો
સૂત્રો પાસેથી એવી વિગત પણ જાણવા મળી છે કે કેતન ડ્રગ્સનો જથ્થો રાજકોટ લાવતો તે અહીં સુધી મુખ્ય સપ્લાયરને આપી દીધાં બાદ સપ્લાયર માત્ર નેપાળી શખ્સને જ તેનું ૧૫૦૦ રૂપિયામાં એક ગ્રામના ભાવથી વેચાણ કરતો હતો. જો કે અન્ય કોઈ ડ્રગ્સ લેવા માટે જાય તો તે આવો ધંધો નહીં કરી રહ્યાનો જવાબ આપી દેતો હતો. કેતન પોતે ડ્રાઈવર હોવાથી અગાઉ બસમાં જ ડ્રગ્સ લઈને આવતો હતો અને સરળતાથી સપ્લાયરને સપ્લાય પણ કરી દેતો હતો. ૧૩ મહિનાથી તે આ કામ કરી રહ્યાનું ખુલ્યું છે. વળી, જેના માટે તે ડ્રગ્સ લાવવાનું કામ કરતો હતો તે ટ્રાવેલ્સ સંચાલક તેને એક ખેપના ૫૦થી ૬૦ હજાર આપતો હતો.
અડધો કલાક સુધી પિતા-પત્ની-બહેન સહિતના પોલીસ મથકમાં જ રડ્યા
પોતાનો પુત્ર ડ્રગ્સની હેરાફેરી કરતા પકડાઈ ગયાની જાણ થતાં જ કેતનના પિતા તેમજ પત્ની, બહેન સહિતના પોલીસ મથકે દોડી આવ્યા હતા અને અડધો કલાક સુધી રડ્યે રાખતાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. આ સાથે જ પોલીસ દ્વારા લોકોને એવી અપીલ પણ કરવામાં આવી હતી કે કોઈ પણ ગુનો કરતા પહેલાં તમારા પરિવારજનોનો વિચાર કરો…
કેતનને ૨૮ દિ’ પહેલાં જ રોગ સાથે બાળક જન્મ્યું: હવે સારવારનો ખર્ચ પોલીસ ઉઠાવશે
કેતન ઉધાસને એક સાત વર્ષની પુત્રી છે જ્યારે ૨૮ દિવસ પહેલાં તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો જેને ચામડીનો રોગ હોવાનું ખુલ્યું છે. કેતનના પરિવારની હાલત જોતાં એસઓજી દ્વારા તેના પરિવારને બાહેંધરી આપવામાં આવી હતી કે તે બાળક તેમજ પરિવારને તબીબી ખર્ચ માટેની તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. કેતન અગાઉ છ વર્ષ આફ્રિકા પણ નોકરી કરી આવ્યો હોવાનું ખુલ્યું છે.
