મોટાવડાના વિદ્યાર્થીને મરવા મજબૂર કરનાર આચાર્ય અને બે શિક્ષકોની શોધખોળ
‘તું પેપર ઘરેથી લખીને આવ્યો છે, તારા પર પોલીસ કેસ કરવો છે’કહી ધમકી આપતા છાત્રએ વીડિયો બનાવી આપઘાત કરી લીધો’તો : મેટોડા પોલીસે પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો
રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાની મોટાવડા હાઈસ્કૂલના ધો.11ના વિદ્યાર્થી ધ્રુવિલ વરૂએ ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી હોવાના બનાવમાં મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે મેટોડા પોલીસે શાળાના આચાર્ય અને બે શિક્ષક સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી તેઓની શોધખોળ હાથધરી છે.
વિગત મુજબ લોધિકા તાલુકાના મોટાવડા ગામની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય સચિનભાઈ વ્યાસ, શિક્ષક મૌસમીબેન શાહ અને વિભૂતીબેન જોશી સામે નોંધાવેલી ફરિયાદમાં મૃતક વિદ્યાર્થી ધ્રુવીલના પિતા ભરતભાઈ વરુ (ઉ.વ.35)એ જણાવ્યું હતું કે તેમનો દિકરો ધ્રુવીલ મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધો.11માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો.ગત તા. 19ના રોજ છ માસિક પરીક્ષાનું પેપર હોવાથી ધ્રુવીલ સવારે સ્કૂલ જવા નીકળી ગયો હતો. ત્યારબાદ બપોરના સમયે ધ્રુવીલે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું મને જાણવા મળ્યું હતું. ત્યારબાદ અમોએ તેનો મોબાઈલ ચેક કરતાં તેમાં વીડિયો જોવા મળ્યો હતો જેમાં એક વીડિયોમાં તે રડતા રડતા બોલતો હતો અને તેના હાથમાં એક ચીઠ્ઠી હતી. બધા પત્ર વાંચી લેજો. મમ્મી મને માફ કરી દેજો.આજે મેં આ પગલું ન ભર્યું હોત તો પોલીસ મને લઈ જાત,જ્યારે તપાસ કરતાં ધ્રુવીલના પેન્ટના ખીસ્સામાંથી તે ચીઠ્ઠી મળી આવી હતી તેમાં તેણે મારો કોઈ વાંક ન હતો, પેપર મેં ઘરેથી લખ્યું નથી છતાં પણ મને પોલીસની ધમકી આપીને પેપરમાં ચોકડા માર્યા. આવું પહેલીવાર નથી બન્યું તેવી વિગતો સાથે મૌસમી મેડમ, સચિન સર અને વિભૂતી મેડમે આવું કર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રકારની વિગતો સાથે મૃતક વિદ્યાર્થી ધ્રુવિલના પિતાએ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય સચિનભાઈ વ્યાસ, મૌસમીબેન શાહ અને વિભૂતીબેન જોષી સામે પોતાના પુત્રને મરવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ શરુ કરી છે.