કાલાવડ રોડ પર સ્વિસ્તિક પાર્ટીપ્લોટના ગેઈટ પાસે સોનાની સરની ચીલઝડપ
હાર ઝૂંટવવા પ્રયાસ કર્યો પણ મહિલાએ પકડી રાખતાં હારમાં રહેલી સર ગુમાવી: મહિલા પરિવાર સાથે લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયા’તા
રાજકોટમાં એક લૂંટારું ગેંગ પકડાય એટલે બીજી સક્રિય થઈ જતી હોવાથી ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. આવી જ એક ચીલઝડપ કાલાવડ રોડ પર સ્વિસ્તિક પાર્ટીપ્લોટના ગેઈટ પાસે થઈ હતી જ્યાં એક મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલઝડપ કરવાનો પ્રયાસ કરાયો પરંતુ મહિલાએ હાર પકડી રાખતાં તેમાં રહેલી એક લાખની કિંમતની સોનાની સર ઝૂંટવીને સમડી ફરાર થઈ ગઈ હતી.
આ અંગે મહિલાના પતિ અને ગોંડલ ચોકડી પાસે આવેલા એમ.જી.હેક્ટર કારના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા રાવ લવજીભાઈ ગોંડલિયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.૨૪ના તેના ભાણેજના કાલાવડ રોડ પર અંધ વૃદ્ધાશ્રમ સામે આવેલા સ્વિસ્તિક પાર્ટી પ્લોટમાં લગ્ન હોય પત્ની જીયા, બહેન સંગીતા, દીપુબેન સહિતના બલેનો કારમાં હાજરી આપવા ગયા હતા. રાત્રે એક વાગ્યે લગ્ન પતાવી જીયા અને રાજ પાર્ટી પ્લોટની બહાર નીકળીને પાર્કિંગ તરફ ગયા હતા. આ વેળાએ પત્ની જીયા, પુત્રી રુહીને કારમાં બેસાડીને અન્ય પરિવારજનોને બોલાવવા ગેઈટ અંદર ગયા કે થોડી જ વારમાં જીયાએ બુમાબુમ કરતા તે બહાર દોડી આવ્યો હતો.
રાજના જણાવ્યા પ્રમાણે બાઈક પર કાળા કલરનું જેકેટ પહેરી અને મોઢે રૂમાલ બાંધી આવેલા શખ્સે જીયાના ગળામાં ઝોંટ મારી સોનાનો હાર ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જીયાએ મજબૂતાઈથી હાર પકડી લેતાં તેમાં રહેલી સોનાની સર ઝૂંટવીને તે ફરાર થઈ ગયો હતો.