લાંચ લેતાં પકડાયેલા ખાણ-ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીની નોકરીનો ` THE END’
જેલમાં હવા ખાઈ રહેલા નરેશ જાનીને ૧૧ જૂન-૨૦૨૪થી જ છૂટા કરી દેવાનો હુકમ કરતી સરકાર: એસીબીએ ૨ લાખની લાંચ લેતાં જાનીના વચેટિયાને રંગે હાથે પકડ્યો’તો
લાંચિયા અધિકારીઓમાં ગજબનો ફફડાટ
રાજકોટનો ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ હોય કે પછી લોકોને હચમચાવી નાખનારી બીજી કોઈ મોટી દૂર્ઘટના હોય…આ બધા પાછળ લાંચ લઈને આંખ મીંચામણા જ જવાબદાર હોવાનું એક નહીં બલ્કે અનેક વખત સાબિત થયા બાદ હવે સરકારે આ દિશામાં સફાઈ અભિયાન શરૂ કર્યું છે. થોડા સમય પહેલાં ૨ લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયેલા ખાણ-ખનીજ વિભાગના અજમાયશી મદદનીશ નિયામક (વર્ગ-૧) નરેશ જાનીને સરકારે નોકરીમાંથી હાંકી કાઢતાં લાંચિયા અધિકારીઓમાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. સરકારે નરેશ જાનીની નોકરી ૧૧ જૂન-૨૦૨૪થી જ સમાપ્ત ગણવાનો હુકમ કર્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમીટના આધારે રેતી ખનનું કામ કરતા ધ સૂર્યપુર લેબર્સ એન્ડ વર્ક કો-ઓ-સોસાયટીના મેનેજરે એસીબીને ફરિયાદ કરી હતી કે ખાણ-ખનીજ વિભાગના ફ્લાઈંગ સ્કવોડના મદદનીશ નિયામક નરેશ જાની અને તેનો વચેટિયો કપિલ પ્રજાપતિ ખનની કામગીરીમાં હેરાન નહીં કરવાના બદલામાં બે લાખની લાંચ માંગી રહ્યા છે.
આ ફરિયાદ મળતાં જ એસીબીએ ૧૧ જૂને છટકું ગોાઠવીને કપિલને બે લાખની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો. આ લાંચકાંડમાં નરેશ જાનીનું નામ ખુલતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ૨૯ જૂલાઈએ અચાનક જ સુરત સેશન્સ કોર્ટમાં સરન્ડર કરતાં એસીબીએ તેમની ધરપકડ કરી હતી.
હવે આ કાંડમાં સરકારે નોંધનીય નિર્ણય લઈને નરેશ જાનીને નોકરીમાંથી હાંકી કાઢવાનો હુકમ કર્યો છે.