સિટી બસના કોન્ટ્રાકટરની કાર ડ્રાઇવરે રેસકોર્ષના ડીવાઇડર પર ચડાવી દીધી
કાર ઓવર સ્પીડમાં હોવાથી સ્ટેરીંગ પરનો કાબૂ ચાલકે ગુમાવતાં સર્જાયો અકસ્માત : પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર પોલીસ હેડક્વાર્ટરના ગેઇટ પાસેના સર્કલ નજીક ડીવાઇડર પર વહેલી સવારે એક કાર ચડી જતા અકસ્માત સર્જાયો હતો.જોકે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે, સિટી બસના કોન્ટ્રાકટરની કાર તેનો ડ્રાઈવર લઇને નીકળ્યો હતો ત્યારે તે ઓવર સ્પીડમાં હોવાથી કારના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હતો.આ મામલે પ્ર.નગર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
વિગત મુજબ રાજકોટમાં ઘંટેશ્વર પાસે રહેતા એનએ શ્રી મારુતિ ટ્રાવેલ્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં જયરાજભાઈ ખીમજીભાઈ ચિરોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કારના ચાલક ભાવેશ રમણ દયાતરનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ મિત્ર ઇકબાલ અને આરોપી ભાવેશ સાથે આજીડેમ પાસેથી રૈયા ચોકડી પર આવેલી ઓફિસ પર વહેલી સવારે જીજે.01.ડબલ્યુપી.8775 નંબરની રેન્જરોવર કાર લઇને નીકળ્યા હતા.ત્યારે ડ્રાઇવિંગ કરતા ભાવેશભાઇ રેસકોર્ષ રીંગરોડ પર પહોંચ્યા ત્યારે પોલીસ હેડક્વાર્ટરના ગેઇટ પાસેના સર્કલ નજીક વણાંકમાં ઓવર સ્પીડ હોવાથી કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સર્કલ ઉપર ઘુસી ગઇ હતી. જો કે, ગાડીની એરબેગ ખુલ્લી જતા કોઇને ઇજા થઇ ન હતી.આ મામલે પ્ર.નગર પોલીસે ચાલક વિરુદ્ધ બેદરકારીથી કાર ચલાવ્યાનો ગુનો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદી જયરાજ અને આરોપી કારચાલક ભાવેશ બંને રાજકોટ સિટી બસ કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. કાર કોન્ટ્રાક્ટરની છે.વહેલી સવારે બસમાં ખૂટતી કેટલી વસ્તુ આજીડેમ પાસે આવેલા બસના સ્ટેશન પરથી લેવા ગયા હતાં. એ સમયે રેસકોર્સ પર અકસ્માત થયો હતો.
દિવાળી કાર્નિવલના ડોમ સાથે બસ અથડાતાં ધરાશાયી થયો
શહેરમાં રેસકોર્ષ રોડ પર મનપા દ્વારા દિવાળી કાર્નિવલ યોજવામાં આવ્યો છે.અને માર્ગ પર અનેક ડોમ તેમજ મંડપ ઊભા કરીને શણગાર કરવામાં આવ્યો છે.ત્યારે રવિવારના આ ડોમ લગાડવામાં આવી રહ્યો હતો.તે સમયે આશુતોષ ટ્રાવેલ્સની બસ ત્યાં રોડ પરથી પસાર થઈ રહી હતી.તે સમયે ચાલકે અકસ્માતે આ ડોમ સાથે બસ અથડાવતા ડોમ ધરાશાયી થયો હતો.ડોમ બસ પર પડતાં થોડો સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.અને ટ્રાફિક પોલીસ દ્વારા તેને ક્લિયર કરવામાં આવ્યો હતો.જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.