લોન પર બોલતી દુકાનો દંપતીએ તબીબને વેચી મારી 27 લાખનું બુચ માર્યું
34 લાખમાં સોદો નક્કી કરીને 27 લાખ પડાવ્યા : દુકાનો લોન પર બોલતી હોવાનો ભાંડો ફૂટતા વિંછીયા પોલીસમાં ગુનો નોંધાવ્યો
વિંછીયાના પીપરડી ગામે રહેતા તબીબ સાથે તેના જ ગામના દંપતીએ લોન પર રહેલી દુકાનનો રૂપિયા 34 લાખમાં સોદો નક્કી કરી જેમાં તબીબ પાસેથી કટકે કટકે રૂપિયા 27 લાખ પડાવી લીધા હતા. બાદમાં તબીબને દુકાન પર લોન બોલતી હોવાનું માલુમ પડતા તેમણે દંપતિ વિરુદ્ધ છેતરપિંડી કરી હોવા અંગે ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, વિંછીયા તાલુકાના પીપરડી ગામે રહેતા મનસુખભાઈ નાગરભાઈ પરમાર(ઉ.વ ૩૩) દ્વારા વિંછીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશબા ગંભીરસિંહ પરમાર અને ગંભીરસિંહ અભેસિંગ પરમાર (રહે શિવરાજપરા, વિંછીયા)ના નામ આપતા જણાવ્યુ હતું કે, તેઓ જસદણમાં ઓમ ડેન્ટલ ક્લિનિક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે વર્ષ 2018 થી તેઓ ભાડે દુકાન રાખી હોય જેથી તેમને પોતાની માલિકીની દુકાન લેવાનું વિચાર્યું હતું.આથી તેમણે પિતાને વાત કરી હતી. બાદમાં તેમના પિતાએ તેના મિત્ર પરેશભાઈ હીરાભાઈ કાગડા સાથે વાત કરતા વિંછીયામાં જસદણ રોડ પર નિર્મળ પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ ત્રણ દુકાન અને હોલ તેમણે બતાવ્યો હતો અને આ દુકાનો પ્રકાશબા ગંભીરસિંહ પરમારની માલિકીની હોય અને તે વેચવાની હોય તેવી વાત કરી હતી.જેથી આ બાબતે પરેશભાઈની દુકાને બેઠક કરી હતી અને દુકાનના માલિક ગંભીરસિંહ પરમાર તથા તેમના પત્ની પ્રકાશબા હાજર હતા ત્યારે તેમણે આ દુકાનોની કિંમત 35 લાખ કહી હતી બાદમાં 34 લાખમાં સોદો નક્કી કર્યો હતો.જેમાં કટકે-કટકે 27 લાખ ચૂકવી દીધા હતા.બાદમાં બેંક માંથી નોટિસ આવતા આ દુકાન પર લોન ચાલતી હોવાનું માલુમ પડતા દંપતીએ પોતાની સાથે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી છે.