વિદ્યાર્થીની હત્યા કરનાર કોન્સ્ટેબલે જાહેરમાં મગરના આંસુ સાર્યા
અમદાવાદમાં ઘટનાનાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન અફસોસ વ્યક્ત કરીને રડી પડ્યો
પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ
બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ હવે મગરના આંસુ સારી રહ્યો છે અને પોતાના કૃત્ય બદલ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. આજે પોલીસ તેને લઈને ઘટનાસ્થળે ગઈ હતી અને સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમયે તે જાહેરમાં રડી પડ્યો હતો આરોપી કોન્સ્ટેબલે MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની ચપ્પૂના ઘા મારીને હત્યા કરી દીધી હતી.
11 નવેમ્બરે મોડી રાત્રે બોપલમાં થયેલી MICA વિદ્યાર્થીની હત્યા કેસમાં આજે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ, આ કેસને લઇને આજે બપોરે પોલીસ ટીમ કાફલા સાથે આરોપી વિરેન્દ્રસિંહને લઇને બોપલ પહોંચી હતી, જ્યાં આરોપીએ વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી વિરેન્દ્રસિંહ સતત રડતો હતો અને પોતાની ગુનાની માફી માંગીને અફસોસ વ્યક્ત કરી રહ્યો હતો, ખુલ્લા પગ, ટીશર્ટ સાથે આરોપીને પોલીસ હાથમાં દોરડા બાંધ્યા હતા અને સમગ્ર ઘટનાના પુરવાઓ વધુ મજબૂત રીતે એકત્રિત કરવા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ હતુ. પોલીસ અધિકારીઓ સતત આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી સમગ્ર ઘટના અંગે માહિતી લઇ રહ્યાં છે, જેમાં કઇ રીતે કાર ચલાવી, કેટલી સ્પીડમાં કાર હતી, વિદ્યાર્થીઓ સાથે કઇ રીતે માથાકૂટ થઇ, ચપ્પૂના ઘા ક્યાં અને કેવી રીતે માર્યા. ત્યાં તે સમયે કોણ કોણ હતુ વગેરે વગેરે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી પોલીસ સ્ટાફની સામે રડતો દેખાઇ રહ્યો હતો.
અમદાવાદમાં માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. હત્યાના આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા સાથે અન્ય એક પોલીસ કર્મી હોવાનો ખુલાસો થયો છે. દિનેશ નામના પોલીસ કર્મીએ વિરેન્દ્રને ભગાડવામાં મદદ કરી હતી.
મળતી માહિતી મુજબ વિરેન્દ્ર હત્યા કરીને ઘરે ગયો હતો. આરોપી પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ગયો હતો અને બાદમાં બે કાર બદલીને તે પંજાબ પહોંચ્યો હતો. જો કે હાલ તો તેની ધરપકડ કરી અમદાવાદ લવાયો છે. જો કે વિદ્યાર્થીની હત્યા પહેલાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા કાર સાથે CCTVમાં કેદ થયો છે. સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ એપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે. તરત જ બુલેટ ટર્નમાં ધીમું પડે છે અને સામેથી હેરિયર કાર આવે છે.આ સમયે કાર ચાલકને ‘એ ધીરે ચલાવ’ કહીને બન્ને મિત્રો આગળ નીકળી જાય છે. પરંતુ હેરિયરચાલક યુ-ટર્ન લઈને તેમનો પીછો કરે છે. જેની ગણતરીની સેકન્ડોમાં જ કારચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે. આ જ CCTV ફૂટેજના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને ગાંધીનગરની 300 હેરિયર કાર ચેક કરી હતી. તપાસ કરતાં સરખેજના પોલીસકર્મી વિરેન્દ્રસિંહની કડી મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મર્ડરની રાત્રે વિરેન્દ્રસિંહ બહાર જવા નીકળ્યો હતો. આખરે પોલીસે 80 જેટલા સીસીટીવી ચેક કરીને હત્યારા વિરેન્દ્રસિંહ સુધી પહોંચી હતી અને પંજાબથી ઉઠાવ્યો હતો. પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ કરી હતી.