ઘરેથી લાપતા થયેલા 5 વર્ષના બાળકની પાણીના ખાડામાંથી લાશ મળી
કોઠારીયા સોલવન્ટનો બનાવ : બાળક બુધવારે ઘરેથી રમવા નીકળ્યોને ગુમ થતાં આજીડેમ પોલીસે શોધખોળ કરી : માનસિક અસ્વસ્થ બાળક રમતા રમતા પાણીમાં પડ્યો હોવાનું અનુમાન
શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતા અને ફેક્ટરીમાં કામ કરતા મજૂર પરિવારનો પાંચ વર્ષનો બાળક બુધવારે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થતાં આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન ગૂમ થયેલા બાળકની લાશ કોઠારીયા સોલવન્ટ શીતળાધાર નજીક પાણી ભરેલા ખાડામાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ગુમ થનાર બાળક માનસિક અસ્વસ્થ હતો. તે રમતાં રમતાં પડી ગયો કે અન્ય કોઇ રીતે મોત થયું? નું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રોલેક્ષક યુનિટ-૩ની સામેની શેરીમાં બદ્રી પાન પાસે રહેતાં અને સોમનાથ વે બ્રીજ પાસે સન બ્લાસ્ટ કારખાનામાં મજૂરી કરતાં મુળ એમ.પીના બાબુલાલ રામપ્રસાદ અહીરવારનો પુત્ર વિક્રમ (ઉ.વ.૫) બુધવારે તા. ૩ના બપોરે શેરીમાં રમવા ગયા બાદ પાછો ન આવતાં બાબુલાલ અને પત્નિ બબીતાબેને તેની શોધખોળ શરૂ કરી હતી. અને તેનો પત્તો ન મળતા આજીડેમ પોલીસને જાણ કરી હતી. આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ દિગપાલસિંહ જે. જાડેજાએ સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરા આધારે તપાસ આદરી હતી. અને બીજી તરફ પરિવારજનોએ બાળકની શોધખોળ ચાલુ રાખી હતી. જેમાં એક બાળકીએ વિક્રમને શિતળાધાર તરફ જતો જોયો હતો જેથી તે દિશામાં તપાસ કરતાં વિક્રમની પણીના ખાડામાંથી લાશ મળતા આજીડેમ પોલીસ પહોંચી હતી. અને તેં મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢયો હતો. જ્યારે વિક્રમનું મૃત્યુ થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.જ્યારે માસુમ દિકરાનો પાણીમાંથી મૃતદેહ મળતાં મજૂર પરિવાર શોકમાં ગરક થયો છે.