ગોંડલના એ યુવકની હત્યા નહીં, અકસ્માતે મોત થયું’તું !
૨ માર્ચે પિતા સાથે ઝઘડો થયા બાદ ૩ માર્ચે ગાયબ થઈ ગયો હતો: ૩ માર્ચથી અકસ્માત થયો ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ જાહેર કરતી પોલીસ
યુવકના પિતાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે માર મારી પુત્રને પતાવી દીધાનો આક્ષેપ પણ કરાયો હતો
રાજકોટ જ નહીં બલ્કે ગાંધીનગર સુધી જે ઘટનાના પડઘા પડ્યા છે તે ગોંડલના રાજકુમાર રતનલાલ જાટ નામના યુવકના મૃત્યુ અંગે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં રાજકુમારની હત્યા નહીં બલ્કે વાહનને હડફેટે આવી જવાને કારણે મોત થયું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા બા-કાયદા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે આટલી `કસરત’ એટલા માટે કરવી પડી કેમ કે મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ શંકરલાલ જાટે તેમના પુત્રને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા દ્વારા માર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા હતા !
રૂરલ પોલીસ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે જે પ્રમાણે ૨ માર્ચે રાજકુમાર અને તેના પિતા રતનલાલ જાટ વચ્ચે માથાકૂટ થઈ હતી. રાજકુમાર જાટને ભણતરનું ટેન્શન રહેતું હોવાથી તે ૩ માર્ચે ૯:૩૦ વાગ્યે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ૩ માર્ચે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકુમાર હાથમાં પાણીની બોટલ સાથે એકલો ચાલીને જતો દેખાય છે. આ પછી ૨:૧૦ વાગ્યે ગોંડલના બસ સ્ટેન્ડના ગેઈટ પાસે, ૨:૧૫ વાગ્યે ગોંડલના ઓર્ચાડ પેલેસ પાસે, ૨:૨૨ વાગ્યે ગોંડલના રિલાયન્સ પંપ પાસે, ૨:૩૫ વાગ્યે ગોંડલના રામદ્વારા રોડ પાસે, ૨:૩૭ વાગ્યે રામમંદિર રોડ પાસે, ૨:૪૩ વાગ્યે ગોંડલની આશાપુરા ચોકડી પાસે, ૨:૫૪ વાગ્યે આશાપુરા ચોકડીથી ભોજપરા ગામે, ૩:૧૭ વાગ્યે ભોજપરા ગામ પાસે, ૪:૧૨ વાગ્યે રાજકોટ હાઈ-વે પાનએગ્રો પાસે, ૫:૧૩ વાગ્યે ભરુડી ટોલનાકા પાસે, ૫:૨૬ વાગ્યે માલધારી હોટેલ-રીબડા રોડ, ૬:૫૦ વાગ્યે શાપર ગુજરાત ઈન્ટ્રક્સ પાસેથી ચાલીને જતો જોવા મળી રહ્યો છે.
દરમિયાન એવો ખુલાસો થયો હતો કે ચાર માર્ચે બપોરે ૩ વાગ્યા આસપાસ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈ-વે તરઘડિયા બ્રિજ ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા એક યુવકની લાશ મળી આવે છે. આ પછી યુવકને સિવિલ હોસ્પિટલે ખસેડાતાં ચાર માર્ચે ૩:૪૨ વાગ્યે મૃત્યુ પામ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન ૩ માર્ચે સાંજે ૬:૩૪ વાગ્યે રાજકુમાર રામધામ આશ્રમમાં ગયો હોવાનું ફૂટેજ પણ સામે આવ્યું છે અને ત્યાંથી ૪ માર્ચે બપોરે ૨:૦૨ વાગ્યે બહાર નીકળી એકલો રોડ પર ચાલતો જતો હોવાનું જોવા મળી રહ્યું છે.
જયરાજસિંહના બંગલામાં બોલાચાલી જ થઈ છે, મારામારી નહીં: એસપી
રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે મૃતક રાજકુમારના પિતા દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં પુત્રને માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પરંતુ બંગલાના સીસીટીવી ફૂટેજ જોતાં ત્યાં કોઈ જ પ્રકારની મારામારી થઈ હોવાનું સામે આવ્યું નથી. મૃતક રાજકુમાર સીધો જ બંગલામાં ઘૂસી જાય છે અને ત્યાં બેસી ગયા બાદ થોડીવારમાં તેના પિતા બંગલામાં આવે છે અને થોડીવાર બોલાચાલી થયા બાદ ત્યાંથી નીકળી જાય છે. આ સિવાય અહીં કોઈ જ પ્રકારની મારામારી થયાનું ધ્યાન પર આવ્યું નથી.