સાધુવાસવાણી રોડ પર પરિચિતની ઓફિસે યુવકનો આપઘાત
ગોંડલ રોડ પર રહેતો યુવક ઘરેથી લાપતા થયા બાદ પરિચિતની ઓફિસમાં ઝેરી પીધેલી હાલતમાં મળી આવ્યો : કારણ અંગે તપાસ
શહેરમાં ગોંડલ રોડ પર રામનગર સોસાયટી શેરી નંબર ૨ માં રહેતા યુવાને સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં પરિચિતની ઓફિસે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલ રોડ પર રામનગર સોસાયટી શેરી નંબર-૨માં રહેતા અને સાધુવાસવાણી રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં સાતમાં માળે શ્રી રામ નામની ઓફિસમાં ધ્રુમિલ રાજેશભાઇ ટાંક (ઉ.વ ૨૪) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું.
બનાવવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.મિશ્રાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આપઘાત કરનાર ધ્રુમિલ એક ભાઈ એક બહેનના પરિવારમાં નાનો હતો તે બેરિંગનું ટ્રેડિંગ કરતો હતો. યુવાન સવારે ઘરેથી નીકળી ગયા બાદ લાપતા થયો હોય તેનો ફોન પણ લાગતો ન હોય અને તે અહીં નક્ષત્ર બિલ્ડિંગમાં તેના પરિચિતની ઓફિસે અવારનવાર જતો હોય જેથી તેના પિતા અહીં પહોંચ્યા હતા. દરમિયાન યુવાને અહીં ઝેર પી લીધા હોવાનું માલુમ પડ્યું હતું. જયારે યુવાને કયાં કારણોસર આ પગલું ભયુ તે જાણવા પોલીસસે વધુ તપાસ કરી છે.