લોધિકાના વિરવા ગામે પરિણીતાનો આપઘાત : પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ
માવતરના ઘરે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ભાવનગર રહેતા અને કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં પતિ સામે આક્ષેપો થતાં પોલીસે કાર્યવાહી હાથધરી
રાજકોટના લોધિકા તાલુકાના વિરવા ગામે માવતરે રહેતી ભાવનગરની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. જ્યારે આ મામલે મૃતક પરિણીતાના પરિવારજનોએ પતિના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ કરતાં પોલીસ કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ વિરવા ગામે માવતરે રહેતી ભાવનગરની પરિણીતા ધર્મિષ્ઠાબા કુલદીપસિંહ સરવૈયા(ઉં. વ.31) બે વર્ષથી તેના પિતા હરવિજયસિંહ દાનુભા જાડેજાના ઘરે રહે છે. સાંજના ધર્મિષ્ઠાબાના ભાઈ કૃષ્ણકાંતસિંહ રાજકોટ ખાતે માતા – પિતાને લઈને હોસ્પિટલે ગયા હતા. ત્યારે ધર્મિષ્ઠાબા ઘરે એકલા હતા.તે સમયે તેણીએ ઘરમાં છતના હુંકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવાર ઘરે આવ્યો ત્યારે ધર્મિષ્ઠાબાને લટકતા જોતાં તેમણે નીચે ઉતારી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહી તેણીએ ટૂંકી સારવારમાં જ દમ તોડી દેતા લોધિકા પોલીસની ટીમ દોડી આવી હતી. જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોનું નિવેદન લેતા કૃષ્ણકાંતસિંહે જણાવ્યું હતું કે, ધર્મિષ્ઠાબાના લગ્ન પાંચ વર્ષ પહેલાં ભાવનગરના કુલદીપસિંહ સરવૈયા કે જેઓ ભાવનગર કોર્ટમાં ક્લાર્ક છે. તેની સાથે થયા હતા. લગ્ન ગાળા દરમિયાન પતિ કરિયાવર ઓછો લાવ્યા બાબતે મેણાં ટોણાં મારી ત્રાસ આપતો હોવાના આક્ષેપ કર્યા હતા.જેથી તેમના બહેન બે વર્ષથી માવતરે ચાલ્યા આવ્યા હતા. ઉપરાંત 6 માસ પૂર્વે પણ ધર્મિષ્ઠાબાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.અને હાલ પતિના ત્રાસથી કંટાળી જ આ પગલું ભર્યાનું જણાવતા પોલીસે નિવેદન નોંધી આગળની તપાસ શરૂ કરી છે.