રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીનો આપઘાતનો પ્રયાસ
ઢેબર રોડ પર અંધ મહિલા વિકાસ ગૃહમાં પ્રજ્ઞાચક્ષુ યુવતીએ ફિનાઈલ પીધું
રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન પાકા કામના કેદીએ બીમારીની વધુ પડતી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યારે બીજા બનાવમાં ઢેબર રોડ પર અંધ મહિલા વિકાસ ગૃહમાં પ્રજ્ઞાચક્ષુ યુવતી પર ચોરીનો આરોપ લાગતાં તેને ફિનાઇલ ગટગટાવી લેતા સારવારમાં ખસેડવામાં આવી છે.
પ્રથમ બનાવની વિગત મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન જીવરાજ જાદવભાઈ રાઠોડ(ઉ.વ ૭૪) એ જેલમાં બેરક નં.૩માં બીમારીની વધુ પડતો દવા પી લેતા તેની તબીયત લથડતા જેલ સ્ટાફ દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે,દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર કેદી જીવરાજ રાઠોડ ભાવનગરનો વતની છે.અને તેને હત્યા કેસમાં અદાલતે સજા ફટકાર્યા બાદ તે અહીં રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન છે.તેમણે બીમારથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું માલૂમ પડ્યું છે. બીજા બનાવમાં ઢેબર રોડ પર આવેલા અંધ મહિલા વિકાસ ગૃહમાં પંદર વર્ષથી રહેતા રિધ્ધીબેન સુભાષભાઈ દલસાણીયા (ઉં.વ.22) નામની પ્રજ્ઞાચક્ષુ યુવતીએ ફિનાઈલ પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે,તેણીની સાથે રહેતી અન્ય યુવતીઓએ તેના પર કપડાંની ચોરીનો આક્ષેપ કરતા તે વાતનું લાગી આવતા આ પગલું ભર્યું હતું.