મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો ત્રીજા દિવસે ત્રીજો શિકાર
નવલખી રોડ ઉપરથી દારૂની 84 બોટલ સાથે એકને ઝડપી લીધો : પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીને સસ્પેન્ડ કરાવ્યા બાદ એસએમસીએ દરોડા પાડવામાં હેટ્રીક મારી
મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી મુકામ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે હેટ્રિક મારી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં દરોડો પાડી રહેણાંકમાંથી વિદેશી દારૂની 84 બોટલ પકડી પાડી એક આરોપીને દબોચી લઈ દારૂ સપ્લાયરનું નામ ખોલાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
શુક્રવારે મોરબી જિલ્લામાં એન્ટ્રી કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયાની ટીમે ટંકારા જુગાર રેઇડ પ્રકરણમાં તપાસ બાદ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીને સસ્પેન્ડ કરાવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે મોરબી – માળીયા હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા પાસેથી કોલસાનો કાળો કારોબાર પકડી પાડી 11 ઇસમોને પકડી પાડયા હતા. જે બાદ ગતરાત્રે નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં આરોપી મયુરસિંહ ઘનુભા ઝાલાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની 84 બોટલ કિંમત રૂપિયા 58,844નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપી જનાર રાજ નામના માણસનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. એસએમસીની ટીમે સતત ત્રીજા દિવસે હેટ્રિક મારતા મોરબી પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે