શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલની 4 છાત્રા સાથે અડપલાં: પ્રિન્સિપાલની ધરપકડ
કોઠારીયા રોડ ઉપરની શાળાનો પ્રિન્સિપાલ છાત્રાને ઓફિસમાં બોલાવી શારીરિક અડપલાં કરતો’તો
રાજકોટના શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટરમાં આવેલ શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલના કામાંધ પ્રિન્સીપાલ અને આમ આદમી પાર્ટીનો પ્રભારી રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ.૩૫)એ અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતી શાળાની ૧૧ થી ૧૪ વર્ષની ચાર છાત્રા સાથે અડપલાં કરતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી રાકેશ સોરઠીયાની ધરપકડ કરી છે.
રાજકોટના હરિ ધવા માર્ગ પર આવેલી શ્રી સરસ્વતિ શૈક્ષણિક સંકુલ શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની છાત્રા સાથે પ્રિન્સિપાલે અડપલાં કર્યાની તેની માતાને ફરિયાદ કરી હતી. ભોગ બનનાર છાત્રાના પરિવારજનોએ તપાસ કરતાં શાળાની અન્ય ત્રણ છાત્રા સાથે પ્રિન્સિપાલ આવી હરકતો કરતો હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ ચારેય બાળાઓને કોઇને કોઇ બહાને પ્રિન્સીપાલ રાકેશ સોરઠીયા તેની ઓફિસમાં બોલાવતો અને ઓફિસનો દરવાજો બંધ કરી શારીરિક અડપલા કરી લેતો હતો. ભોગ બનેલી ચારેય છાત્રા સાથે અલગ અલગ દિવસે અડપલાં કર્યા હતા. જેથી સરસ્વતિ શૈક્ષણિક સંકુલની આ ચારેય છાત્રાના પરિવારજનો ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. પી. આઈ એમ.એમ.સરવૈયા સમક્ષ આપવીતી જાણવી હતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે ભોગ બનેલી ૧૪ વર્ષની છાત્રાની માતાની ફરિયાદ નોંધી શ્રી સરસ્વતિ શૈક્ષણિક સંકુલના પ્રિન્સીપાલ રાકેશ વશરામભાઇ સોરઠીયા (ઉ.વ.૩૫) વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રાકેશ સોરઠીયા એક દિકરી અને એક દિકરાનો પિતા છે અને તે રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી છે.
આરોપી રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી છે. સોશિયલ મિડીયામાં તેના આપના ખેસ સાથેના અનેક ફોટાઓ પણ છે.
