માલીયાસણ ગામે ખેડૂતના મકાનમાંથી તસ્કરો રૂ.1.90 લાખની મતા ચોરી ગયા
પરિવાર અમદાવાદ ગયો ત્યારે બંધ પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
માલીયાસણ ગામમાં ખેડૂતના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું હતું. જેમાં દાગીના અને રોકડ સહિત રૂ.1.90 લાખની મતા ચોરી કરી નાસી છૂટતા કુવાડવા પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ કરી છે.
વિગત અનુસાર માલીયાસણ ગામે શીવ શક્તિ હોટલની પાછળ રાધાનગર-1, શેરી નં.2માં રહેતા નરેશભાઈ પરસોતભાઈ સાગઠીયા (ઉ.વ.25) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે,તેના પિતા છેલ્લાં એક મહિનાથી ગામડે ખેતીકામ માટે ગયા છે.અને તેની માતા અને તેઓ ઘરે રહેતાં હતાં.ગત તા.10/11ના રોજ ફરિયાદી તથા તેમના મમ્મી ભાવનાબેન ઘરને તાળુ મારી અમદાવાદ ખાતે તેમના બહેનના ઘરે રોકાવા માટે ગયા હતાં. અને ઘરનુ ધ્યાન રાખવા માટે તથા ફુલ છોડને પાણી પાવા માટે મામી સવિતાબેન જેન્તીભાઇ ચાવડાને કહ્યું હતુ. અને તેમને ઘરની ડેલીના તાળાની ચાવી આપી હતી. બાદ ગુરુવારે ફરિયાદીને તેના મામી સવિતાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરનો મેઇન દરવાજાનુ તાળુ તુટેલ છે તેમજ સામાન વેર વિખેર પડેલ છે. જેથી ફરિયાદી અમદાવાદથી ઘરે આવેલ અને ઘરે આવી જોયુ તો મેઇન દરવાજાનું તાળુ તુટેલ હતુ. તેમજ બંન્ને રૂમનો સામાન વેર વિખેર હાલતમા પડેલ હતો.અને ઘરના રૂમમાં કબાટમાં રાખેલ તીજોરી ખુલેલી હાલતમાં હોય જે તીજોરીમાંથી રોકડા 80000, એક જોડી સોનાની પટ્ટીવાળા પાટલા, ચાર સોનાની બંગડી, બે પેંડલ, એક જોડી બુટ્ટી, સોનાના દાણા સહિત કુલ રૂ.1,90, 500ની ચોરી થયાનું માલૂમ પડતાં કુવડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.અને આ મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.