વાવડીમાં સિક્યુરિટી ગાર્ડના ઘરમાંથી તસ્કરો 1.81 લાખના ઘરેણાં ચોરી ગયા
જીવરાજ પાર્કમાં સિક્યુરિટી ગાર્ડ નાઈટ ડ્યૂટી પર હતા ત્યારે તસ્કરોએ મકાનમાં હાથફેરો કર્યો
રાજકોટમાં વાવડીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં વૃદ્ધ જીવરાજ પાર્કમાં નાઈટ ડ્યૂટીમાં હતા ત્યારે રાત્રિના તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી કબાટમાં રાખેલા સોના-ચાંદીના રૂ.1.81 લાખના ઘરેણા ચોરી જતાં તેઓએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ વાવડીમાં પંચવટી પાર્કમાં રહેતા અને જીવરાજ પાર્કમાં ગોલ્ડનેસ્ટ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ બચુભાઈ ચાવડા નામના 60 વર્ષીય વૃદ્ધે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે,ગત તા.20-10ના તેઓ બીલખા પરિવારના સભ્યો સાથે હવનમાં ગયા હતા.અને બાકીના પરિવારજનો ત્યાં રોકાયા હતા.અને પોતા પરત ઘરે આવી ગયા હતા.ત્યાર બાદ સાંજના સમયે તેઓ પોતાની નોકરી પર જતા રહ્યા હતા.સવારે ઘરે આવીને જોતા ઘરના તાળા તૂટેલા જોવા મળી આવ્યા હતા.જેથી ઘરમાં તપાસતા કબાટમાં રાખેલા સોના ચાંદીના કુલ રૂ.1,81,481ની કિંમતના ઘરેણા ચોરી થયા હોવાનું માલુમ પડતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ મામલે તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તેનો શોધખોળ કરી છે.