વિયેતનામ ગયેલા વોરા વેપારીના મકાનમાંથી તસ્કરો 13.42 લાખની મતા ચોરી ગયા
જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટીનો બનાવ : આઠ દિવસ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો : સીસીટીવીમાં દેખાતા શકમંદની શોધખોળ
રાજકોટમાં વર્ષના અંતિમ દિવસે જ તસ્કરોએ મોટો હાથ માર્યો છે.જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટી (વોરા સોસાયટી) લાકડાના વેપારી પત્ની સાથે વિયેતનામ ગયા હતા.અને આઠ દિવસ બાદ તેઓ ઘરે પરત આવ્યા ત્યારે રસોડાના દરવાજાનું તાળું તોડીને અજણાયો તસ્કરો ચોરી કરી ગયાનું માલૂમ પડ્યું હતું.જેમાં કબાટમાં રાખેલ ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ.13.42 લાખની મત ચોરી જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.જ્યારે સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ જોવા મળતા તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.

બનાવની માહિતી મુજબ જામનગર રોડ પર આવેલી ગાંધી સોસાયટી (વોરા સોસાયટી) શેરી નંબર-6,બ્લોક નંબર-68માં રહેતા અને લાકડાનો વેપાર કરતાં ખોજેમાભાઈ ફીદાહુસેનભાઈ ભારમલ (ઉ.વ.58) એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ગત તા. 23/12ના રોજ બપોરના આશરે એકાદ વાગ્યાની આસપાસ તેમના ઘરના મેઇન દરવાજો તેમજ રસોડાના દરવાજાને લોક કરીને પત્ની સાથે ભારત બહાર વિયેતનામ ફરવા માટે ગયા હતા.બાદ તા.31/12ના વહેલી સવારના આશરે ચારેક વાગ્યાની આસપાસ વિયેતનામથી પરત રાજકોટ ખાતે ઘરે આવેલ અને જોયુ તો મકાનના મેઇન દરવાજાનું તાળુ જેમ લોક કરેલ હતું તેમજ હતું જેથી લોક ખોલી ઘરની અંદર જતા જોયુ તો ઘરનો તમામ સામાન વેર વિખેર પડેલ હતો.તેમજ રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી રૂમની અંદર જોતા કબાટનો લોક તેમજ કબાટની તીજોરીનો લોક તુટેલ હતો અને કપડા તેમજ બીજી સામગ્રી વેર વિખેર પડી હતી.બાદ રસોડામાં જોતાં ત્યાંના પાછળના દરવાજાનુ તાળુ તૂટેલું હતુ.
જેથી તાત્કાલિક તેઓએ પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ દોડી આવ્યા હતા.અને તપાસ કરતાં સોના-ચાંદીના દાગીના,ગિફ્ટમાં આવેલી એક ઘડિયાળ,વોલેટ અને ધર્માદાના રોકડ રકમ આશરે રૂ.30 હજાર મળી કુલ રૂ.13.42 લાખની મતા ચોરી થયા હોવાનું માલૂમ પડતાં પીએસઆઈ પી.બી.વરોતરિયાએ ગુનો નોંધ્યો હતો.અને ટીમે સોસાયટીના સીસીટીવી તપાસતા તેમાં એક શંકાસ્પદ શખસ જોવા મળ્યો હતો.જેથી પોલીસ દ્વાર તેની ઓળખ મેલળવા તજવીજ હાથ ધરવામાં આવી છે.