હરિ ધવા મેઇન રોડ પર બંધ મકાનમાંથી તસ્કર 70 હજારની મતા ચોરી ગયો
યુવક માતા સાથે મંદિરે ગયો ત્યારે એક તસ્કરે ઘર સાફ કરી નાખ્યું : ચોર સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં પોલીસ દ્વારા તપાસ
શહેરના હરિ ધવા મેઇન રોડ પર રાત્રિના બંધ મકાનને નિશાન બનાવી એક તસ્કરે રોકડ અને ચાંદીના ઘરેણાં મળી 70 હજારની મત્તા ચોરી કરી જતાં ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમ એક શખસ ઘરમાં આવ્યો હોવાનું નજરે પડતા તેની શોધખોળ કરી છે.

બનાવની વિગતો મુજબ, હરિ ધવા મેઇન રોડ પર આવેલા મોરારીનગર શેરી નંબર 6માં રહેતા કૌશલ મહેશભાઈ માધાણી(ઉ.વ 29) નામના યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તા. 23/12ના રાત્રીના આઠેક વાગ્યે આસપાસ ઘરને તાળું મારી તે તેના માતા વર્ષાબેનને માતાજીના દર્શને જવું હોય જેથી ઢેબર રોડ પર ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.દરમિયાન રાત્રિના સવા દસેક વાગ્યે આસપાસ યુવાનને તેના પિતાનો ફોન આવ્યો હતો કે, આપણા ઘરના મેઇન દરવાજાનું તાળું સાઇડમાં પડ્યું છે અને નકુચો તૂટેલો છે થતાં સામાન વેર વિખેર પડ્યો છે જેથી તપાસ કરતાં કબાટમાં ધંધાના રાખેલ 65 હજાર રોકડ અને 5 હજારના ચાંદીના દાગીના ચોરી થયા હોવાનું માલૂમ પડ્યું હતું.જેથી યુવાને પાડોશીના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા રાત્રીના પોણા દસેક વાગ્યે આસપાસ એક અજાણ્યો શખસ ઘરની ડેલી ઠેકી અંદર આવી ચોરી કરી ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. જેથી તેભક્તિનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.