મૃતદેહ જોઇ પત્નીએ કહ્યું, આ કેવી રીતે મરે? હમણાં જ તો ફોન પર વાત કરી..!!
રાજકોટની ભાગોળે મહિકા ગામે થયેલી હત્યામાં ચક્કર આવી જાય તેવો થયો ખુલાસો
નિર્દોષ સંદીપને સળગાવી નાખી તેની લાશ પાસે આઈકાર્ડ, મોબાઈલ, ચંપલ મૂકી દીધા
એક સમયે લાશ હસમુખની જ હોવાનું માની પોલીસે તેની પત્નીને બોલાવી ઓળખ કરાવવાનું
શરૂ કર્યું હતું, જો પત્ની બોલી ન હોત તો સંદીપની લાશ હસમુખની પત્નીને સોંપાઈ ગઈ હોત!
૨૦૨૪નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે આ વર્ષ દરમિયાન ચક્કર આવી જાય તેવા બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે ત્યારે આવો જ વધુ એક બનાવ પ્રકાશમાં આવતાં પોલીસ સહિત સૌ કોઈ મોઢામાં આંગળા નાખી જવા માટે મજબૂર બન્યા છે. જેવી રીતે ક્રાઈમ સીરિયલો અને ફિલ્મોમાં પોતાના ફાયદા માટે નિર્દોષ લોકોનો ભોગ લઈ લેતાં હોવાના દૃશ્યો જોવા મળે છે તેવા જ વાસ્તવિક રીતે પણ જોવા મળ્યા છે. શહેરની ભાગોળે મહિકા ગામે પોલીસને સળગેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ પાસેથી મળેલું પાકિટ, ચંપલ, આઈકાર્ડ સહિતનું જોતાં એ મૃતદેહ આઈકાર્ડ જેનું છે તેનું જ હોવાનું માની લેવાયું હતું પરંતુ પત્નીએ વટાણા વેરી દેતાં રહસ્ય પરથી પરદો ઉંચકાતાં વાર લાગી ન્હોતી.
મહિકા ગામે સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે મૃતદેહ નજીકથી હસમુખ મુળશંકરભાઈ ધાનજા (વ્યાસ)ના નામનું આઈડી કાર્ડ, ચંપલ, પાકિટ મળી આવ્યું હતું. આ ઉપરાંત હસમુખનો મોબાઈલ અને ચંપર પણ મળી આવતાં આ મૃતદેહ હસમુખ ધાનજાનો જ હોવાનું તેના ભાઈ હિતેશ મુળશંકરભાઈ ધાનજાએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં હસમુખ ધાનજા, એક સગીર અને સંદીપ ગોસ્વામી નામની વ્યક્તિ શાપરથી મોટા મહિકા આવ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી સગીરની પૂછપરછ કરવા ઉપરાંત હસમુખની પત્નીને બોલાવી મૃતદેહની ઓળખવિધિ કરાવવા પ્રયાસ કરાયો હતો. ઓળખવિધિ ચાલી રહી હતી બરાબર ત્યારે જ હસમુખની પત્ની બોલી ઉઠી હતી કે હસમુખ મરે કઈ રીતે, તેણે તો થોડી વાર પહેલાં જ મારા સાથે અયોધ્યાથી વાત કરી હતી !!
આ સાંભળી પોલીસના કાન પણ સરવા થઈ ગયા હતા અને ત્યારબાદ તેણે બનાવ વખતે હસમુખ ધાનજાની સાથે રહેલા સગીરની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં સઘળી વિગતો બહાર આવી હતી. એવો ખુલાસો થયો હતો કે હસુમખ ધાનજા, સંદીપ અમૃતગીરી ગોસ્વામી અને સગીર એમ ત્રણેય ગત ૨૫-૧૨ના મોટા મહિકા ગામે ગયા હતા અને ત્યાં રાત્રે સગીર, હસમુખે મળીને સંદીપ ગોસ્વામીને ગળેટૂંપો આપીને પેટ્રોલ છાંટી સળગાવી નાખ્યો હતો.
આ પછી ખરેખર જેની હત્યા થઈ તે સંદીપની પત્ની પાસે ઓળખવિધિ કરાવતાં તેણે સંદીપની લાશને ઓળખી બતાવતાં પોલીસે `કળા’ કરનાર હસમુખ મુળશંકર ધશનજા અને સગીર સામે ગુનો નોંધ્યો હતો. જો કે હસમુખ હાથમાં આવ્યો ન હોય તેને પકડવા દોડધામ શરૂ કરાઈ છે.
અત્યંત ચકચારી આ બનાવનો ભેદ ઉકેલવા માટે એલસીબી (રૂરલ) પીઆઈ વી.વી.ઓડેદરા, ગોંડલ પીઆઈ જે.પી.રાવ, એલસીબી પીએસઆઈ એચ.સી.ગોહિલ, એસઓજી પીએસઆઈ બી.સી.મિયાત્રા સહિતના સ્ટાફે ખંતપૂર્વક જહેમત ઉઠાવી હતી.
હસમુખે સગીર તેમજ સંદીપને અયોધ્યાના કેટરર્સમાં નોકરી અપાવવાની આપી’તી લાલચ
પોલીસ તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે હસમુખ ધાનજાએ સગીર કે જે છૂટક મજૂરીકામ કરે છે અને મૃતક સંદીપ ગોસ્વામી કે જે પણ છૂટક કામ કરે છે તેને અયોધ્યામાં આવેલા કેટરર્સમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી ભેટો કર્યો હતો. જો કે હસુમખના શાતીર દિમાગમાં કંઈક ઔર જ ચાલતું હોય તેણે સંદીપને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કરી ફિલ્મી સ્ટાઈલમાં તેની હત્યા નિપજાવી દીધી હતી.
લોન ચાલી રહી હોય તે ભરપાઇ કરવા માટે વીમો પકવવો જરૂરી હોવાથી હસમુખે કાંડ કર્યાની આશંકા
આ ચકચારી બનાવને અંજામ આપનાર હસમુખ મુળશંકરભાઈ ધાનજા (રહે.જામનગર રોડ) હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાને કારણે બનાવનું સચોટ કારણ સામે આવી શક્યું નથી પરંતુ સગીરે આપેલી કબૂલાત પ્રમાણે હસમુખ ઉપર લોન ચાલી રહી હોય તે ભરપાઈ કરવા માટે વીમો પકવવો જરૂરી હતી. હસમુખ પોતે વીમા એજન્ટ હોવા ઉપરાંત એમ્બ્યુલન્સ ચલાવતો હોય તેણે પોતાનો વીમો ઉતરાવ્યો હતો. આ વીમો પકાવવા માટે જ તેણે હત્યાને અંજામ આપ્યો હોવાનું બન્યું હોવાની આશંકા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી હતી.
હસમુખે કર્યા છે બબ્બે લગ્ન, આગલા ઘરના પુત્રએ વટાણા વેરી દીધાં
હત્યા કરનાર હસમુખ ધાનજાએ બે લગ્ન કર્યા છે. પોલીસે જ્યારે હસમુખની હાલની પત્ની અને હાલના ઘરના પુત્રને બોલાવ્યા ત્યારે તેણે વટાણા વેરી દેતા કહ્યું હતું કે હસમુખ સાથે એક સગીર ફરતો હોય છે જેને આ બનાવ વિશે વધુ જાણકારી હોઈ શકે છે. આ જાણકારીના આધારે જ પોલીસે સગીરની શોધખોળ કરી તેને પકડી પાડ્યો હતો અને પછી બનાવની સિલસિલાબદ્ધ વિગતો બહાર આવી હતી.