દારૂના કટિંગ વખતે જ રૂરલ એલસીબી ત્રાટકી : 15.80 લાખની 2772 દારૂની બોટલો ઝડપાઈ
ગોંડલના ભોજપરા નજીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રી જોગમાયા ગોડાઉન નં.3માં દરોડો : છેલ્લા ચારેક માસથી ભાડે રાખી રાજસ્થાની શખ્સો ચુના પાવડરના બચકાની આડમાં દારૂની હેરાફેરી કરતા’ તા : બે શખસોની ધરપકડ,ત્રણની શોધખોળ
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલ નજીક ભોજપરાની સીમમાં એક ગોડાઉનમાં મધરાતે દારૂના કટિંગ વખતે જ દરોડો પાડ્યો હતો અને 15.80 લાખની કિંમતની 2772 દારૂની બોટલો ઝડપી લીધી હતી. અને મજુર તરીકે કામ કરતા બે રાજસ્થાની શખસોની ધરપકડ કરી હતી. જયારે અન્ય બોલેરો ચાલક સહીત ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. એલસીબીની ટીમે દારૂની બોટલો ,બોલેરો પીકઅપ અને મોબાઈલ મળી રૂ.20.90 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
માહિતી મુજબ રૂરલ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગોંડલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન રાત્રે 12.40 વાગ્યે બાતમી મળી કે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં ગોંડલ રાજકોટ હાઇવે રોડ પર આવેલ ગેલેક્સી પેટ્રોલપંપ પાછળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ શ્રી જોગમાયા ગોડાઉન નં.3 માં વિદેશી દારૂનુ કટિંગ ચાલુ છે.જેથી ટીમે દરોડો પાડી કિસાન બ્રાન્ડ રોગો પાવડર ચુનો લખેલા બાચકાની આડમાં બે શખસો બોલેરો પીકઅપ વાહનમાં દારૂની બોટલોના બોક્ષ ભરી રહ્યાનું જોવા મળતા કૈલાશ બાબુલાલ જગમાલ રામ ખીચડ (ઉ.વ.22 રહે. બાધા, બીશ્નોઈ કી ધાણી, તા. શેડવા જી.બાડમેર રાજ્ય. રાજસ્થાન હાલ. રહે. ગોંડલ ગુંદાળા રોડ એસ્ટોન સીનેમા પાસે પટેલનગર ભાડાના મકાનમા), જલારામ ભીખારામ ઉદારામ ખીલેરી (ઉ.વ.28 રહે. સોનડી તા.શેડવા જી.બાડમેર રાજ્ય. રાજસ્થાન હાલ, રહે.ગોંડલ ગુંદાળા રોડ એસ્ટોન સીનેમા પાસે પટેલનગર ભાડાના મકાનમાં)ની ધરપકડ કરી હતી.
જ્યારે પોલીસે ગોડાઉન માલીક ધવલ મુકેશભાઈ વિરડીયા (રહે. ગોંડલ યોગીનગર શેરી નં. 8)નો સંપર્ક કરી તેને ત્યાં સ્થળ પર બોલાવ્યા હતા.અને તેઓએ આ ગોડાઉન ચારેક મહિનાથી નારાયણસિંહ પદમસિંહ (રહે.દાતીવાસ તા.ભીનમાલ જી.જાલોર રાજસ્થાન)ને ભાડેથી આપેલ છે અને તેના ભાડા કરારની નકલ રજુ કરી હતી.આ મામલે પોલીસે ધરપકડ કરેલા બંને શખસોની પૂછતાછ કરતાં તેઓએ કબૂલાત આપી હતી કે,તેઓને પ્રકાશ ઉર્ફે સત્યા બીશ્નોઈ (રહે. સાંચોર રાજ્ય.રાજસ્થાન)એ અહીં દારૂની ગાડી આવે તે ખાલી કરવાનું કામ કરવા તથા દારૂની ગાડી ભરી મોકલવાનું કામ કરવા રૂ.30 હજાર પગાર પર રાખ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે બોલેરો ચાલક,નારાયણસિંહ પદમસિંહ અને પ્રકાશ ઉર્ફે સત્યા બીશ્નોઈ સામે ગુનો નોંધી દારૂની બોટલો ,બોલેરો પીકઅપ અને મોબાઈલ મળી રૂ.20.90 લાખનો મુદામાલ કબજે કર્યો છે.